ગાંધીનગર-

ગુજરાતની જિલ્લા, તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષે આપેલા મેન્ડેટનો અનાદર કરનારા સામે ભાજપે કડક પગલાં ભરીને સપાટો બોલાવી દીધો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે છેલ્લાં બે દિવસમાં જ છોટા ઉદેપુર તથા મોરબી જિલ્લાના ૨૪ જણાંને પક્ષમાંથી તાત્કાલિક અસરથી બરતરફ કરવાના હુક્મો જારી કર્યાં છે.

છોટા ઉદેપુર જિલ્લાની છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ- ઉપપ્રમુખની યોજાયેલી ચુંટણીમાં પક્ષના મેન્ડેટનો અનાદર કરવા બદલ ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની સૂચનાથી તાત્કાલિક અસરથી ભાજપમાંથી ૧૦ સભ્યોને બરતરફ કરવામાં આવ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખને બરતરફ કરેલા સભ્યોમાં નકુડીબેન સુરસીંગભાઇ રાઠવા, ખુમસીંગભાઇ રૂપસીંગભાઇ રાઠવા, દિનેશભાઇ નખલાભાઇ રાઠવા, બિજલીબેન નંદુભાઇ રાઠવા, નંદુભાઇ રડતીયાભાઇ રાઠવા, લક્ષ્મણભાઇ ભુરાભાઇ રાઠવા, મંગલીબેન તેરસીંગભાઇ નાયકા, જયદીપભાઇ બાવાભાઇ રાઠવા, રમેશભાઇ ભૂરસીંગભાઇ રાઠવા તથા રાજેશભાઇ વિરસીંગભાઇ રાઠવાનો સમાવેશ થાય છે.

જયારે મોરબી જીલ્લાની વાકાંનેર નગરપાલિકામાં પ્રમુખ – ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં પણ પક્ષના મેન્ડેટનો અનાદર કરવા બદલ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની સૂચનાથી ૧૪ સભ્યોને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવ્યા છે. જેમાં મીરાબેન હસમુખભાઇ ભટી, દેવુબેન શામજીભાઇ પલાણી, કાંતિભાઇ રાયમલભાઇ કુંઢીયા, કોકીલાબેન કિર્તીકુમાર દોષી, ધર્મેન્દ્રસીંહ ગેલુભા જાડેજા, હેમાબેન ધર્મેશભાઇ ત્રિવેદી, ભાવેશભાઇ ભોગીલાલ શાહ, રાજ કેતનભાઇ સોમાણી, જશુબેન રમેશભાઇ જાદવ, જયશ્રીબેન જયસુખભાઇ સેજપાલ, સુનીલભાઇ મનસુખલાલ મહેતા, શૈલેષભાઇ જયંતિલાલ દલસાણીયા, માલતીબેન વિનોદરાય ગોહેલ તથા ભાવનાબેન કનૈયાલાલ પાટડીયાનો સમાવેશ થાય છે.