ગાંધીનગર-

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એનસીસી ડાયરેકટોરેટ ગુજરાતના એનસીસી કેડેટસની ભારતીય સેનાના જવાનો પ્રત્યેની કૃતજ્ઞતા અને રાષ્ટ્રભક્તિ ભાવનાની આગવી સંવેદના રૂપે ‘કારગીલના વીરોને ગુજરાતનો આભાર’ અભિયાનનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો.

એનસીસી ડાયરેકટરેટ ગુજરાતના વડા મેજર જનરલ અરવિંદ કપૂરની પ્રેરણાથી ‘‘એક મૈં સો કે લિયે’’ અભિયાન ગુજરાત સ્થાપના દિવસ ૧લી મે-ર૦ર૧થી શરૂ કરાયું છે. આ અભિયાનના ચાર તબક્કાને મળેલી સફળતા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટવીટરના માધ્યમથી ૧૪ લાખ હિટસની સિદ્ધિ માટે વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડસ દ્વારા સર્ટિફિકેટ ઓફ કમિટમેન્ટ પ્રાપ્ત થયેલું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સર્ટિફિકેટ એનસીસી ડાયરેકટોરેટ ગુજરાતના એડિશનલ ડિરેકટર મેજર જનરલ અરવિંદ કપૂરને અર્પણ કર્યુ હતું. આ અભિયાનના પાંચમા તબક્કામાં ગુજરાતના એનસીસી કેડેટસ રપ હજાર શુભેચ્છા કાર્ડ દેશની કારગીલ સરહદે તૈનાત જવાનોને કારગીલ વિજય દિવસની રરમી વર્ષગાંઠ ર૬ જુલાઇએ મોકલવાના છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અભિયાનના પાંચમા તબક્કાનો પ્રારંભ કરાવતાં રાજ્યની વધુને વધુ યુવાશક્તિ શાળા-કોલેજોમાં એનસીસીમાં જોડાઇને દેશહિત સર્વોપરિની ભાવના સાથે રાષ્ટ્રની એકતા-અખંડિતતા માટે રાષ્ટ્રસેવા સમર્પણ ભાવ કેળવે તેવું પ્રેરક આહવાન કર્યુ હતું. આ સાથે તેમણે ગુજરાતમાં એનસીસી પ્રવૃત્તિઓનો વ્યાપ વધે, બટાલિયનની સંખ્યામાં પણ ગુજરાતનો ક્રમ દેશમાં આગળ આવે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતમાં ૬૪ હજાર જેટલા યુવાઓ એનસીસીમાં જોડાયેલા છે તે માટે ગૌરવની લાગણી વ્યકત કરતાં કહ્યું કે, રાજ્ય સરકાર પણ એનસીસી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે. એનસીસી ‘સી’ સર્ટિફિકેટ પાસ થયેલા યુવાઓને પોલીસ દળની ભરતીમાં અગ્રતા અપાય છે, તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.