વડોદરા, તા.૭ 

અનલૉક બાદ વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લાં કેટલાંક દિવસથી સરેરાશ ૧૧૦થી ૧૩૦ પોઝિટિવ કેસોની સાથે ૧૦ થી ૧૫ મૃત્યુ નોંધાઈ રહ્યા છે. ત્યારે રેડ અને ઓરેન્જ ઝોનમાં વિવિધ વિસ્તારો અને લોકોની સંખ્યા પણ વધી રહી છે. વડોદરા શહેરમાં અત્યારે ૧૯,૨૪૬ ઘરમાં ૭૨૮૧૦ લોકો રેડ ઝોનમાં અને ૪૫૩૯૨ ઘરમાં ૧.૮૪ લાખ જેટલા લોકો ઓરેન્જ ઝોનમાં છે, જ્યારે ૪૬૫૩ લોકો હોમ ક્વોરન્ટાઈન છે.

વડોદરામાં કોરોનાના દર્દીઓની સંખ્યા છેલ્લા કેટલાંક દિવસથી સતત વધી રહી છે તેમાંય છેલ્લા દોઢ મહિનાથી રોજ સરેરાશ ૧૧૦થી ૧૩૦ પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે. જાે કે, સેમ્પલો લેવાની સંખ્યા પણ વધી છે. આજે વધુ ૧૧૬ પોઝિટિવ કેસો નોંધાયા હતા, જ્યારે અત્યાર સુધી સત્તાવાર મૃત્યુઆંક ૨૦૪ નોંધાયો છે. પરંતુ પોઝિટિવ કેસોની સંખ્યા વધવાની સાથે રેડ ઝોન અને ઓરેન્જ ઝોનના વિસ્તારોની સંખ્યા પણ વધી રહી છે. આમ તો, એક તરફ સમગ્ર શહેર ધમધમતું થઈ ગયું છે પરંતુ તંત્ર દ્વારા હવે સત્તાવાર રેડ ઝોન વિસ્તાર કે ઓરેન્જ ઝોનમાં આવતાં વિસ્તારોમાં વિશેષ સાઈન બોર્ડ કે કાંઈ લગાડવામાં આવતું ન હોવાથી રેડ ઝોન વિસ્તારમાં પણ શહેરના અન્ય વિસ્તારોની જેમ જ તમામ નિયમિત ધબકતું જાેવા મળી રહ્યું છે.

વડોદરા શહેરમાં અત્યારે રેડ ઝોનમાં ૧૯૨૪૬ ઘરોનો સમાવેશ થાય છે જેમાં સૌથી વધુ વિસ્તાર ઉત્તર ઝોન, ત્યાર પછી પશ્ચિમ ઝોનનો સમાવેશ થાય છે. રેડ ઝોનમાં કુલ ૭૨૮૧૦ લોકો છે અને તેમાં તાંદલજા, ગોત્રી, ગોરવા, સુભાનપુરા, દિવાળીપુરા, અકોટા, તરસાલી, માંજલપુર, માણેજા, ગાજરાવાડી, શિયબાગ, છાણી, નવાયાર્ડ, કિશનવાડી, રામદેવનગર વગેરે વિસ્તારમાં આવતી કેટલીક સોસાયટીઓ, પોળો, વસાહતોનો સમાવેશ થાય છે.

જ્યારે ઓરેન્જ ઝોનમાં ૪૫૩૯૨ ઘરોના ૧.૮૪ લાખ લોકો છે જેમાં સૌથી વધુ વિસ્તાર દક્ષિણ ઝોનનો છે. ત્યાર પછી પૂર્વ ઝોનનો આવે છે. આમ હજુ વડોદરા શહેરની કુલ વસતીના ૨.૫૦ લાખ લોકો રેડ અને ઓરેન્જ ઝોનમાં છે. જાે કે, પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રેડ, ઓરેન્જ ઝોનમાં આવતા વિસ્તારોમાં સર્વેની કામગીરી સતત ચાલી રહી છે. પરંતુ પાલિકાની વેબસાઈટ પર જણાવ્યા મુજબ હજુ ૬૪ હજારથી વધુ ઘરો રેડ અને ઓરેન્જ ઝોનમાં છે. જ્યારે કોરોનાના સામાન્ય લક્ષણો જણાય તેવા દર્દીઓને અથવા કોરોનાના દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવે છે ત્યારે હાલ ૪૬૫૩ લોકો હોમ ક્વોરન્ટાઈન છે. જાે કે, બીજી તરફ પોઝિટિવ આવેલા દર્દીઓમાં રિકવર થવાનો રેસિયો પણ ૮૦

ટકાથી વધુ છે.