નડિયાદ : ધીમી ગતિ માટે ગોકળગાય બદનામ છે, પરંતુ હવે ગોકળગાયને ટક્કર આપવા માટે નડિયાદ નગરપાલિકા મેદાને આવી ગઈ છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી ભાજપ શાસિત નડિયાદ નગરપાલિકા વિકાસ કેવી રીતે સૌથી ધીમો કરી શકાય તે માટે તનતોડ મહેનત કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. ઉદાહરણ આપણી સામે જ છે - શહેરના ફતેપુરા રોડ પર બની રહેલો ફિલ્ટરેશન પ્લાન્ટ. વર્ષ ૨૦૧૨માં ૮૧ કરોડની માતબર રકમ ફાળવી રાજ્ય સરકારે મંજૂર કરેલાં આ પ્લાન્ટનું આજે ૮ વર્ષ પછી ૨૦૨૦માં પણ ૫૦ ટકા કામ પૂર્ણ થયુ નથી. ૮૧ કરોડમાંથી ૮૦ ટકા ગ્રાન્ટ ખર્ચ કરી નાખવામાં આવી છે, છતાં કામ અધૂરું છે. 

સૂત્રોના જણાવ્યાં મુજબ, નડિયાદમાં અમૃત મિશન યોજના અંતર્ગત ફતેપુરા રોડ પર આવેલી મૌખાદ તલાવડી વિસ્તારમાં ફિલ્ટરેશન પ્લાન્ટ નાખી આખા નડિયાદને શુદ્ધ પાણી પીવડાવવાના વાયદા સ્થાનિક નેતાઓએ કર્યા હતા. આ અંતર્ગત પ્રથમ તબક્કામાં શહેરમાં ફિલ્ટર પ્લાન્ટને લગતી પાઇપલાઇન નાખી દેવાઈ હતી, પરંતુ ફિલ્ટરેશનનું કામ હજુ ૮ વર્ષથી જૈસે થેની સ્થિતિમાં છે. શહેરની લાખોની વસતિને આ ફિલ્ટરેશનનું પાણી આપવાની વાતો કરતી નગરપાલિકા ૮ વર્ષ બાદ પણ આ યોજના પૂરી કરવામાં સફળ રહી નથી.

સૂત્રોનું કહેવું છે કે, સરકારની કોઈ પણ યોજના ૩ વર્ષમાં પૂર્ણ કરવાની હોય છે, પરંતુ આ યોજના પૂરી ન થતાં ભ્રષ્ટાચાર અને પાલિકાની અનઆવડતના આક્ષેપો થઈ રહ્યાં છે. સ્થાનિક નેતાઓએ ૩ વર્ષમાં આ યોજના પૂર્ણ કરવાના વાયદા જાહેરમાં કર્યા હતા. તેમ છતાં ૨૦૧૨માં શરૂ કરાયેલું આ કામ ૨૦૧૫માં પૂર્ણ ન થવા છતાં પ્રજાને ભરમાવી પુનઃ સત્તા મેળવી હતી. ત્યારબાદ બીજા ૫ વર્ષ પૂર્ણ થવા છતાં સ્થાનિક સત્તાધારી નેતાઓ આંખ આડા કાન કરી રહ્યાં છે. તેમજ ફરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફિલ્ટરેશન પ્લાન્ટના નામે મત ઉઘરાવવાની ફિરાકમાં છે.

બીજી તરફ વિરોધ પક્ષે અને શહેરના જાગૃતજનોએ વારંવાર આ સંદર્ભે આરટીઆઈ અને અરજીઓ કરી મુદ્દાને પ્રજા સમક્ષ લાવવાનો પ્રયત્ન કર્યો છે.

સરકારની આ નિષ્ફળ યોજના છે, કરોડોનો ભ્રષ્ટાચાર છે : વિરોધપક્ષ

આ બાબતે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, નડિયાદ નગરપાલિકા અને ગુજરાત સરકારની આ નિષ્ફળ યોજના છે. શરૂઆતથી જ બધાને ખ્યાલ હતો કે આ યોજના ટકી શકે તેમ નથી. છતાં બહુમતિના જાેરે આ યોજના કોઈ પણ જાતના પૂર્વ આયોજન વગર શરૂ કરી દેવાઈ હતી. ૩ વર્ષમાં પૂર્ણ કરવાની યોજના આજે ૮ વર્ષે પણ અધૂરી છે. ૮૦ ટકા ગ્રાન્ટ વાપરી નાખવામાં આવી છે. ત્યારે કરોડોની ગ્રાન્ટ વાપરી નાખવા છતાં કામ ૫૦ ટકા પણ પૂર્ણ થયું નથી. આ કરોડો રૂપિયા ક્યાં ગયાં? તે સવાલ નડિયાદના નાગરિકોને સતાવે છે. અગાઉ આરટીઆઇની માહિતીમાં ૫૫ કરોડ ૧૯ લાખથી વધુ રૂપિયાની આ યોજના પાસ થઈ હોય અને તેમાંથી ૪૧ કરોડ રૂપિયા વાપરી નખાયાં હોવાની વિગતો બહાર આવી હતી, પરંતુ ત્યારબાદ આજે ૫ વર્ષ વિતી જતાં હવે તેમાં ફરીથી ગ્રાન્ટો અને પાલિકાનું ભંડોળ પણ લગાવી દેવાયું હોવાનો ખુલાસો થયો છે. છતાં યોજનામાં કોઈ ફાયદો પ્રજાને મળ્યો નથી.

પ્રથમ અપીલ અધિકારીના હુકમ મુજબ રેકર્ડ ચકાસણી માટે જવાની છું : દિપલ શાહ

આ બાબતે સામાજિક કાર્યકર દિપલબેન શાહે જણાવ્યું હતુ કે, આ યોજના પ્રજાલક્ષી છે. જેનો પ્રજાને વહેલામાં વહેલી તકે લાભ મળવો જાેઈએ. આ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોય તો જવાબદારો સામે કાર્યવાહી થાય તે માટે મેં આરટીઆઇ કરી હતી, પરંતુ જવાબથી સંતોષ ન હોવાથી હું અપીલ અધિકારી સમક્ષ પહોંચી હતી. જ્યાં પ્રથમ અપીલ અધિકારીએ સમગ્ર બાબતે નગરપાલિકાને આદેશ કરી અરજદાર તરીકે મને રેકર્ડ ચકાસણી કરવા દેવામાં આવે તે માટે હુકમ કર્યો છે. પાલિકા તરફથી ચકાસણી માટે સમય ફાળવાયો હતો, પરંતુ તે સમયે હું તબિયતના કારણે જઈ શકી નહોતી. હવે મેં ચીફ ઓફિસરને મેઈલ કરી સમય માગ્યો છે. સમય મળશે એટલે હું રેકર્ડ ચકાસણી કરીશ. ત્યારબાદ આ યોજનાને લગતી વધુ માહિતી મેળવી પ્રજા સમક્ષ લાવીશ.

નગજરજનોને આ સુવિધાનો કોઈ લાભ મળશે કે કેમ? તે અંગે મને શંકા!

આ સમગ્ર બાબતે નડિયાદના જાણીતા વકીલ જયેશભાઈ તલાટીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતંુ કે, આ ફિલ્ટરેશન પ્લાન્ટની યોજના છેલ્લાં ૮ વર્ષથી ચાલે છે અને હવે એવું લાગે છે કે, આ યોજનાનો ફિયાસ્કો થશે. નગજરજનોને આ સુવિધાનો કોઈ લાભ મળશે કે કેમ? તે અંગે મને શંકા છે. જ્યારે ફિલ્ટરેશન પ્લાન્ટનો મુદ્દો ઉછળે છે ત્યારે નવા-નવા ખુલાસા થાય છે. ૨૦૧૨માં શરૂ થયેલી આ યોજનાનો ભાજપે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી, ૨૦૧૫માં આવેલી નડિયાદ નગરપાલિકાની ચૂંટણી, ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી અને ત્યારબાદ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં ભ્રામક પ્રચાર કરી લાભ લીધો હતો. હવે ૨૦૨૦ના ઈલેક્શનમાં આ યોજનાનો ફરીથી પ્રચાર કરી પ્રજાને ગુમરાહ કરવાની તૈયારી ચાલી રહી છે. બીજીતરફ આ યોજના માટેની જમીન સંપાદન કરવામાં આવી નથી. એટલે આ જમીન નગરપાલિકા હસ્તક નથી.

સત્તાધિશોએ એકબીજાનો સંપર્ક કરવાનું કહી સંતાકૂકડી રમાડ્યાં!

આ સમગ્ર મુદ્દે નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રણવ પારેખનો સંપર્ક સાધતાં તેમણે નગરપાલિકાના એન્જિનિયર ચંદ્રેશભાઈ ગાંધીનો સંપર્ક કરવા જણાવ્યું હતુ. આ બાબતે ચંદ્રેશભાઈનો સંપર્ક કરાયો ત્યારે તેમણે મુખ્ય એન્જિનિયર કેતનભાઈ શાહનો સંપર્ક કરવા કહ્યું હતુ અને કેતનભાઈ શાહનો સંપર્ક કરવાની કોશિશ કરતાં તેમણે ફોન ઊઠાવ્યો નહોતો.