આણંદ : આણંદ કૃષિ યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલરના પદ માટે સચ્ર કમિટીની નિમણૂક કરવામાં આવી છે. આ સર્ચ કમિટીમાં એક ચેરમેન તેમજ ત્રણ કમિટીના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. છેલ્લાં એક વર્ષથી ઇન્ચાર્જથી કામ ચલાવાતાં પદ પર આગામી ટૂંક સમયમાં કાયમી વાઇસ ચાન્સેલર મળશે. આણંદ કૃષિ યુનિવર્સિટીમાં ગત જુલાઈમાં તત્કાલિન વાઇસ ચાન્સેલર એન.સી.પટેલનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થયાં બાદ સંશોધન નિયામક તરીકે ફરજ બજાવતાં કે.બી. કથીરીયાને ચાર્જ સોંપાયો હતો. જાેકે, કે.બી. કથીરીયા પણ ૩૧મી ઓગસ્ટના રોજ નિવૃત થતાં રાતોરાત ડો.આર.વી. વ્યાસને વાઇસ ચાન્સેલરનો ચાર્જ સોંપાયો હતો. વાઇસ ચાન્સેલરનો ચાર્જ સોંપાતા જ તેની કૃષિ સંબંધિત ડિગ્રી અને અનુભવને લઈને વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. તેમની નિમણૂક થઈ એ પછીથી આ જગ્યા પર કોઈ કાયમી વાઇસ ચાન્સેલરની નિમણૂક થઈ નથી. તાજેતરમાં વાઇસ ચાન્સેલરની પસંદગી માટે ગુજરાત એગ્રિકલ્ચર યુનિવર્સિટી જૂનાગઢના પૂર્વ ડિરેક્ટર ઓફ કેમ્પસ ડો.કે.વી. પેઠાણીની ચેરમેન તરીકે નિમણૂક કરાઈ છે. ડિરેક્ટર ઓફ એગ્રિકલ્ચર બી.એમ. મોદી, કર્ણાટકની એગ્રિકલ્ચર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.એમ.બી. છેટ્ટી અને આઇસીએઆરના ડેપ્યૂટી ડિરેક્ટર જર્નલ ડો.જે.કે. જેણાની કમિટી સભ્ય તરીકે નિમણૂક કરાઈ છે. 

સર્ચ કમિટી દ્વારા પસંદ ૩ નામ સરકારમાં મોકલાશે

વાઇસ ચાન્સેલર પદ માટે સમગ્ર ગુજરાતમાંથી અંદાજિત ત્રીસથી વધુ લોકો રેસમાં છે. ત્રણેય કમિટીના સભ્યો અને ચેરમેન દ્વારા સંબંધિત યુનિવર્સિટીની ડિગ્રી અને અનુભવના આધારે ત્રણ નામ પસંદ કર્યા બાદ સરકારમાં મોકલવામાં આવશે, જેમાં એક નામ પર સરકાર આખરી મહોર મારશે.