વડોદરા, તા.૨૮

રાઉન્ડ ધ ક્લોક ઈમરજન્સી આરોગ્ય સેવા પૂરી પાડવાની સાથે ઈજાગ્રસ્ત વ્યક્તિને સમયસર દવાખાને પહોંચાડવાની સેવા કરતાં ૧૦૮ એમ્બ્યુલન્સના પાયલોટ અને ઈએમટી કર્મચારીએ નિષ્ઠા અને પ્રામાણિકતા દાખવી માંડવી પાસે અકસ્માતમાં ઘાયલ વ્યક્તિ પાસેથી રોકડ રકમ રૂા.૪૩ હજાર ઉપરાંતની રકમ અને મોબાઈલ ફોન ઈજાગ્રસ્તના સગાને હોસ્પિટલમાં બોલાવી તબીબ અને પોલીસની હાજરીમાં પરત આપી કર્તવ્યની સાથે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર આજે સવારે શહેરના માંડવી રોડ પર શાયરવાલા અમીનભાઈને અકસ્માત નડયો હતો. રાહદારીએ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી ઈજાગ્રસ્ત શાયરવાલા અમીનભાઈને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ૧૦૮ એમ્બ્યુલન્સના પાયલોટ ભાવેશ રાઠોડ અને ઈએમટી કર્મચારી જયેશ મકવાણાને ઈજાગ્રસ્ત પાસેથી રૂા.૪૩ હજાર ઉપરાંતની રકમ અને ૨૦ હજારની કિંમતનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. મોબાઈલ ફોનના આધારે ઈજાગ્રસ્તના સગાને જાણ કરી સયાજી હોસ્પિટલમાં બોલાવી તબીબ અને પોલીસની હાજરીમાં રોકડ અને મોબાઈલ ફોન પરત કરી કર્તવ્યની સાથે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું. જ્યારે ઈજાગ્રસ્તને સારવાર માટે દાખલ કરાયો હતો.