વડોદરા, તા.૭

આઈપીએલમાં ચાન્સ મળશે તેવા સોનેરી સપના બતાવીને વેજલપુરના બૂટ-ચંપલનો ધંધો કરતા સાધારણ પરિવારના પુત્ર પાસેથી ભેજાબાજ ઋષિ આરોઠેએ બેંગલોરમાં કોચિંગ અપાવવાના બહાને રૂપિયા પાંચ લાખ પડાવી લીધા હતા. ત્યારપછી નાણા પાછા લેવા ગયેલા યુવકને ઋષિ આરોઠેએ ટાંટિયા તોડી નાંખવાની ધમકી આપતા ખળભળાટ મચી ગયો હતો. આજે યુવકના પિતાએ રાવપુરા પોલીસ મથકે ભેજાબાજ ઋષિ આરોઠે સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામે રહેતા અને મોચીનો વ્યવસાય કરતા મહેન્દ્રકુમાર શનીલાલ મોચીએ રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, હું વેજલપુર પોલીસ મથકની સામે કેબીન લગાવીને બુટ-ચંપલનો વેપાર કરું છું. મારી પત્નીનું નામ ભૂમિકા છે. મારા ત્રણ બાળકો છે. જેમાંથી મારો નાનો દીકરો તુષાર બીટેક કરી રહ્યો છે અને સાથેસાથે છેલ્લા અઢીવર્ષથી વડોદરાના મોતીબાગ ક્રિકેટ એકેડમીમાં ક્રિકેટ કોચિંગ લઈ રહ્યો છે. એક મહિના પહેલા મેં મારા દીકરાનું બેંક એકાઉન્ટ વેજલપુરની બેંક ઓફ બરોડામાં ખોલાવ્યું હતું. મારા દીકરો વર્ષ ૨૦૨૧થી મોતીબાગ ક્રિકેટ એકેડમીમાં કોચિંગ લઈ રહ્યો છે જેની ફિ દર મહિને રૂપિયા ૨૧૫૦ છે. વર્ષ ૨૦૨૨ના જાન્યુઆરી મહિનામાં મોતીબાગ ક્રિકેટ એકેડમીમાં રણજી ટ્રોફીની ક્રિકેટ ટીમના ખેલાડી ઋષિ તુષાર આરોઠે પણ મોતીબાગમાં બોલિંગના કોચ તરીકે આવતા હતા. મારા દીકરા અને ઋષિ આરોઠે વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હતી. ઘણી વખત મારો દીકરો એમને ત્યાં રોકાતો પણ હતો. ઘણી વખત તેઓ મારા દીકરાને છેક બસસ્ટોપ સુધી છોડવા પણ આવતા હતા. વર્ષ ૨૦૨૨માં મારા દીકરાએ મને જણાવ્યું હતું કે, બેંગલોરમાં કોચિંગ કેમ્પ છે અને એમાં આઈપીએલમાં રમતા ખેલાડીઓના કોચ પણ આવવાના છે. જાે એમાં સારો દેખાવ કરશે એને આઈપીએલમાં સિલેક્ટ થવાના ચાન્સ છે. પણ ત્યાં કોચિંગ લેવા માટે રૂપિયા ત્રણ લાખ ફી ભરવી પડે તેમ છે. જે રૂપિયા ભર્યા બાદ એની રસીદ પણ મળશે. અને કોચિંગ પૂરું થયા પછી એ રકમ પાછી પણ મળશે. મારાં દીકરાની આવી વાતથી હું પ્રભાવિત તો થયો પણ મારી પાસે કોચિંગ માટેની ફીના રૂપિયા ત્રણ લાખ ન હતા. પણ મારા દીકરાએ મને જણાવ્યુ હતુ કે, મારો મિત્ર યશ વૈભવ ગાંધી મને બોલિંગ કોચિંગ કેમ્પ માટે રૂપિયા ત્રણ લાખ આપવા તૈયાર છે. હું હમણા તેની પાસેથી પૈસા લઈ લઉં છું અને કોચિંગ કેમ્પ પુરો થયા પછી ઋષિ સર રિફન્ડ આપશે એટલે એને રૂપિયા ત્રણ લાખ પાછા આપી દઈશ. મારા દીકરાની આ વાતમાં હું સહમત થયો અને વર્ષ ૨૦૨૨માં યશ ગાંધી પાસેથી ઉધાર પૈસા લઈને એ રકમ મેં મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડની બહાર ઋષિ આરોઠેને આપી હતી. વર્ષ ૨૦૨૨ના એપ્રિલ મહિનામાં ઋષિ આરોઠે એ રેગ્યૂલર કોચિંગ દરમિયાન મારા દીકરાને કહ્યુ હતુ કે, બેંગલોરમાં કોચિંગની ફીમાં વધારો થયો છે એટલે બીજા બે લાખ રૂપિયા ભરવા પડશે. જાે, પૈસા નહીં ભરે તો અગાઉ ભરેલા ત્રણ લાખ રૂપિયા પાછા આવવામાં વાર લાગશે. જેથી એમની વાતોમાં આવીને મારા પુત્રે એના મિત્ર યશ શેઠ પાસેથી રૂપિયા પચાસ-પચાસ હજાર બે વખત ઋષિના એકાઉન્ટમાં જમા ટ્રાન્સફર કર્યા હતા. અને બાકીના એક લાખ રૂપિયા મેં મારા એક સંબંધી પાસેથી ઉધાર લીધા હતા. ત્યારપછી ઋષિ આરોઠેએ મારા દીકરા પાસે બેંગલોરની ફ્લાઈટની ટિકિટ માટે રૂપિયા ૨૭,૦૦૦ની માંગણી કરી હતી. આ રકમ પણ મારા પુત્રે ઋષિના એકાઉન્ટમાં બારોબાર ટ્રાન્સફર કરી દીધી હતી. ત્યારપછી ઋષિ આરોઠે એકાએક ભુગર્ભમાં ઉતરી ગયો હતો. અને મારા દીકરાનો ફોન ઉપાડતો ન હતો. બેંગલોર જવાનું તો દૂર એને વડોદરામાં પણ મળતો ન હતો. આખરે મારો પુત્ર અને એના દોસ્તો ઋષિના ઘરે વડોદરા પહોંચ્યા હતા. જ્યાં તુષાર આરોઠે મળ્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, ઋષિનો છેલ્લા કેટલાક દિવસોથી કોઈ કોન્ટેક્ટ નથી થતો. તે જેવો કોન્ટેક્ટમાં આવશે એવા તમારા રૂપિયા અપાવી દઈશ. ત્યારપછી એકાદ મહિના બાદ એમણે મારા પુત્રને વડોદરા એમના ઘરે બોલાવ્યો હતો. નિયત કરેલા દિવસે મારો પુત્ર અને એના મિત્રો વડોદરા આવ્યા હતા અને તુષાર આરોઠેને મળ્યા હતા. જ્યાં પૈસાના સેટલમેન્ટની વાત ચાલતી હતી તે વખતે ઋષિ આરોઠે આવ્યો હતો અને એણે જણાવ્યું હતું કે, તમારા પૈસા વડોદરાનો દિવ્યેશ સોલંકી લઈ ગયો છે. ત્યારે મારા પુત્રે એને કહ્યું હતું કે, સર મેં તો તમને પૈસા આપેલા એટલે એ પૈસા તમારે જ પાછા આપવા પડશે. આ વાત સાંભળીને ઋષિ અકળાયો હતો અને એણે મારા પુત્રને ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી હતી. ઉપરોક્ત ફરિયાદને આધારે રાવપુરા પોલીસે ઋષિ આરોઠે સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરી તેની શોધખોળ શરૂ કરી છે.