દુબઇ : 

પોતાના પ્રથમ ટાઇટલ જીતવાના પ્રયાસમાં લાગેલી દિલ્હી કેપિટલ્સને સોમવારે મોટો ઝટકો લાગ્યો અને તેનો અનુભવી ફાસ્ટ બોલર ઈશાંત શર્મા ઈજાને કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. 32 વર્ષીય બોલરે આ સીઝનમાં દિલ્હી તરફથી માત્ર એક મેચ રમી હતી અને અબુધાબીમાં સનરાઇઝર્સ વિરુદ્ધ 4 ઓવરમાં 26 રન આપ્યા હતા.

દિલ્હી ફ્રેન્ચાઇઝીએ એક નિવેદનમાં આ જાણકારી આપી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે, 'ફાસ્ટ બોલર ઈશાંત શર્મા દુબઈમાં 7 ઓક્ટોબરે ટીમના ટ્રેનિંગ સેશનમાં બોલિંગ કરતા ઈજાગ્રસ્ત થયો. તપાસ કરતા જાણવા મળ્યું કે, તેના સ્નાયુઓ ખેંચાઈ ગયા છે અને તે આઈપીએલની બાકી સીઝનમાં રમી શકશે નહીં.'

ઈશાંતે ભારત માટે 97 ટેસ્ટ, 80 વનડે અને 14 ટી20 મુકાબલા રમ્યા છે. તે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ દરમિયાન પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થઈ શકે છે. પરંતુ તેનું સિરીઝ રમવું તે વાત પર નિર્ભર કરશે કે તેને રિહેબિલિટેશનમાં કેટલો સમય લાગે છે.