હરારે

અનુભવી શાકિબ અલ હસનના અણનમ ૯૬ રનની પાછળ બાંગ્લાદેશે બીજી વનડેમાં ઝિમ્બાબ્વેને ત્રણ વિકેટથી પરાજિત કર્યું. આ સાથે બાંગ્લાદેશી ટીમે પણ ત્રણ મેચની વનડે સિરીઝમાં ૨-૦થી અજેય લીડ મેળવી લીધી છે. શાકિબ અલ હસને તેની ૧૦૯ બોલમાં અણનમ ઇનિંગ્સમાં આઠ ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે અગાઉ બોલિંગમાં પણ કમાલ કર્યો હતો અને ૧૦ ઓવરમાં ૪૨ રન આપીને બે વિકેટ ઝડપી હતી.

પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને વેસ્લી માધવેરે (૫૬) ની અડધી સદીથી નવ વિકેટે ૨૪૦ રન બનાવ્યા હતા. કેપ્ટન બ્રેન્ડન ટેલરે પણ ટીમ માટે ૪૬ રનનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ તરફથી શરિફુલ ઇસ્લામે ૪૬ રનમાં ચાર વિકેટ લીધી હતી. લક્ષ્યનો પીછો કરતી વખતે, બાંગ્લાદેશે સતત અંતરાલે વિકેટ ગુમાવી દીધી હતી. ૩૯ મી ઓવરમાં ૧૭૩ રનમાં સાતમી વિકેટ ગુમાવ્યા બાદ ટીમ સંઘર્ષ કરી રહી હતી, પરંતુ મેન ઓફ ધ મેચ શાકિબ એક છેડે રહ્યો હતો.

શાકિબે મોહમ્મદ સોફુદ્દીન (અણનમ ૨૮) ની સાથે આઠમી વિકેટ માટે ૬૯ રનની અખંડ ભાગીદારી કરી અને પાંચ બોલ બાકી રહી ટીમને જીત અપાવી. બાંગ્લાદેશને આઈસીસી મેન્સ વર્લ્ડ કપ સુપર લીગ ૨૦૨૦-૨૦૨૨ અંતર્ગત રમાનારી આ મેચ જીતીને ૧૦ પોઇન્ટ મેળવ્યા હતા, જેણે તેને ૧૧ મેચમાંથી ૭૦ પોઇન્ટ બનાવ્યા છે અને ટીમ ઈંગ્લેન્ડ પછી બીજા ક્રમે છે. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ ૨૦ જુલાઈએ રમાશે.