ઢાકા

મેન ઓફ ધી મેચ ઑફ સ્પિનર રખીમ કોર્નવેલ (૧૦૫/૪) ની શાનદાર બોલિંગને કારણે વેસ્ટ ઇન્ડીઝે બીજી ટેસ્ટના ચોથા દિવસે બાંગ્લાદેશને ૨૧૩ રનમાં બોલ્ડ કરીને મેચ ૧૭ રને જીતી લીધી હતી. આ સાથે વિન્ડિઝે બે મેચની ટેસ્ટ સિરીઝમાં ૨-૦થી ક્લિન સ્વીપ કર્યું હતું.

બીજી ઇનિંગમાં ૧૧૭ રનમાં ઓલઆઉટ થયા બાદ વેસ્ટ ઇન્ડીઝે બાંગ્લાદેશને જીતવા માટે ૨૩૧ રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં બાંગ્લાદેશ બીજી ઇનિંગમાં ૨૧૩ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું અને ઘરઆંગણે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. વિન્ડિઝના વિદેશી મેદાન પર વર્ષ ૨૦૧૭ પછીની આ પ્રથમ ટેસ્ટ શ્રેણી જીત છે.

બાંગ્લાદેશની બીજી ઇનિંગ્સના ઓપનર તમિમ ઇકબાલે સૌથી વધુ ૫૦ રન બનાવ્યા. વેસ્ટ ઇન્ડીઝ તરફથી કોર્નવેલે ૧૦૫ રન આપીને ચાર વિકેટ લીધી હતી, જોમલ વરીકેને ૪૭ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી અને કેપ્ટન ક્રેગ બ્રૈથવેટે ૨૫ રનમાં ત્રણ વિકેટ લીધી હતી.

બાંગ્લાદેશની ઇનિંગમાં તમિમ સિવાય અન્ય કોઈ બેટ્‌સમેન મોટી ઇનિંગ રમી શક્યો ન હતો. જો કે અંતે મેહદી હસને ઝડપી ઇનિંગ્સમાં ટીમને વિજય અપાવવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યો પરંતુ તે સફળ થઈ શક્યો નહીં. બાંગ્લાદેશના બેટ્‌સમેનો આનાથી પણ મોટી ભાગીદારી બનાવવામાં નિષ્ફળ ગયા.

તમિમ સિવાય હસને ૫૬ બોલ માં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૩૧ રન બનાવ્યા, કેપ્ટન મોમિનુલ હક ૨૬, વિકેટકીપર બેટ્‌સમેન લિટન દાસ ૨૨, મુશફિકુર રહેમાન ૧૪ અને નઇમ હસન ૧૪ રન બનાવ્યા. આ અગાઉ વેસ્ટ ઇન્ડીઝે બાંગ્લાદેશને ત્રણ વિકેટથી હરાવી ચટગાંવ માં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રેણીમાં ૧-૦થી લીડ મેળવી લીધી હતી.