વડોદરા, તા.૨ 

કોરોના વકરતા લદાયેલા રાત્રી કર્ફ્‌યુ દરમ્યાન જાહેરનામા ભંગના ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. એની પાછળ લોકોની જાગૃતતા જવાબદાર છે કે પોલીસની ઢીલી નીતિ એ તપાસનો વિષય બની ગયો છે. જોકે, માસ્ક વગર ફરતા વાહન ચાલકો હજુ પણ સુધરવાનું નામ લેતા નથી. મંગળવારની રાત્રે કરફયૂના જાહેરનામા ભંગ બદલ શહેરભરના પોલીસમથકોમાં માત્ર ૧૦ ગુનાઓ નોંધી ૧૦ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણમાં વધારો થાય એ રીતે માસ્ક વગર બહાર જાહેરમાં નીકળેલા ૭૯૮ લોકોને જુદા જુદા પોલીસ મથકોની ટીમોએ ઝડપી પાડી હતી, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસે જાહેર સ્થળો અને પરિવહન સમયે માસ્ક નહીં પહેરવા બદલ આ ૭૯૮ લોકો પાસેથી રૂા.૭.૯૮ લાખ જેટલી રકમનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાત્રિ કરફયૂના અમલ દરમિયાન માત્ર આવશ્યક અને સત્તાવાર પરવાનગી ધરાવનારાઓ જ બહાર નીકળી શકતા હોવા છતાં યોગ્ય કારણ વગર બહાર વાહન લઈને કે ચાલતા બહાર નીકળેલા ૨૧ લોકોને ઝડપી પાડી ફરફયૂના જાહેરનામાના ભંગ બદલ ૨૧ ગુનાઓ જુદા જુદા પોલીસ મથકોમાં નોંધાયા હતા. આ બધા આરોપીઓને ફરજિયાતપણે રાતભર લોકઅપમાં રાખવાનો ઉચ્ચ અધિકારીઓએ આદેશ કર્યો છે.

એકતરફ પાલિકા અને પોલીસ તંત્ર મળીને શહેરની અનેક દુકાનો, મૉલ અને ગીચ વિસ્તારોની દુકાનો અને બજારો પર સોશિયલ ડિસ્ટન્સીન્ગનો ચુસ્ત અમલ થાય તે માટે કામગીરી કરી રહ્યું છે. ત્યારે, પોલીસ દ્વારા આ ગીચ વિસ્તારોમાં પણ માસ્ક ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી હતી.