આણંદ : તારાપુરની કાનાવાડા ચોકડી પાસે જીએનઆરએલ ઓઈલ પ્લાન્ટના મેદાનમાં ગત રાત્રે કારમાં અચાનક આગ લાગતાં કંપનીના માઈન્સ મેનેજર આગમાં બળીને ભડથું થઈ જતાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ અંગે તારાપુર પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ, તારાપુરના રાધાબાગમાં પરિવાર સાથે રહેતાં અવધેશકુમાર સુધારામ દુબે જીએનઆરએલ ઓઈલ એન્ડ ગેસ કંપનીમાં કાનાવાડા પાસે આવેલા પ્રોજેક્ટમાં માઈન્સ મેનેજર તરીકે ફરજ બજાવતાં હતાં. જેઓ ગત રાત્રીએ પોતાના ઘરેથી કાનાવાડા ચોકડી પાસે આવેલા જીએનઆરએલ ઓઈલ પ્લાન્ટમાં ચેકિંગ માટે નીકળ્યાં હતાં. આ વખતે રાત્રીના સમયે ઓઈલ પ્લાન્ટ મેદાનમાં તેઓની કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. કારમાં અચાનક આગ લાગતાં કારચાલક અવધેશકુમાર દુબે કારમાં જ ફસાઈ ગયાં હતાં. કારનું બારણું ન ખુલતાં કારમાંથી તેઓ બહાર નીકળી શક્યાં નહોતા. દરમિયાન ઓઈલ પ્લાન્ટમાં ફરજ બજાવતાં કામદારોએ કારને સળગતી જાેતાં તેઓ દોડી આવ્યા હતા. તેઓએ અગ્નિશામક સાધનોથી આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટનામાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. કારમાં સવાર અવધેશકુમાર દુબે પણ બળીને ભડથું થઈ ગયાં ત્યાં સુધી કોઈ મદદ પહોંચી ન હતી. જાેકે, ઓઈલ પ્લાન્ટના કર્મચારીઓએ દોડી આવી આગ ઓલવી હતી, પરંતુ ત્યાં સુધીમાં અવધેશકુમાર દુબેનું મૃત્યુ થઈ ગયું હતું.