વડોદરા,તા. ૨૩ 

સામાન્ય રીતે માનસિક બીમારીથી પીડાતા રોગીઓની સારવાર ખુબ જ કઠિન હોય છે. એવામાં તેમને જો કોરોના ભરખી જાય તો પરિસ્થિતિ હદ બહાર જતી રહે તેવા સંજોગોનું નિર્માણ થયું છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી મેન્ટલ હોસ્પિટલમાંથી બે દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મેન્ટલ હોસ્પિટલમાં કોરોનાએ દેખા દેતા આવનારા સમયમાં આ રોગ વધુ પ્રસરે અને હોસ્પિટલમાં જ સંક્રમિતોની સંખ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરે એવી શક્યતાના આધારે મેન્ટલ હોસ્પિટલના કર્મચારીઓ સહીત ત્યાં સારવાર મેળવી રહેલા અન્ય દર્દીઓના સંબંધીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

કારેલીબાગ વિસ્તારમાં આવેલી મેન્ટલ હોસ્પિટલમાં હાલમાં કુલ ૨૧૬ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જે પૈકીના બે દર્દીઓને કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા બંનેનો રિપોર્ટ પોઝીટીવ આવતા મેન્ટલ હોસ્પિટલના સત્તાધીશો તેમજ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સામાન્ય રીતે મેન્ટલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓની સારસંભાળ રાખવી ખુબ જ કઠિન હોય છે. એવામાં મેન્ટલ હોસ્પિટલમાં બે પોઝિટિવ કેસો નોંધાતા કર્મચારીઓમાં અન્ય દર્દીઓ પાસે સોશિયલ ડિસ્ટન્સીન્ગનું પાલન તેમજ ફરજીયાત માસ્ક પહેરાવવાનું, સમયસર દવાઓ આપવા સહિતની કામગીરી કઈ રીતે કરાવવી તે અંગેની દ્વિધા ઉભી થઇ છે. આ ઉપરાંત માનસિક રોગીઓની મનોસ્થિતિ યોગ્ય ન હોવાથી જો તેમને તાવ, શરદી સહિત કોરોનાનાં અન્ય કોઈપણ લક્ષણ જણાય તો પણ તેઓ વર્ણવી શકતા નથી. જેથી હાલમાં મેન્ટલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા તમામ દર્દીઓ અને કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવે તો જ સાચી પરિસ્થિતિનો અંદાજ આવી શકે તેમ છે.

૧૫ દિવસ અગાઉ સુરતથી ૧૦ ઉપરાંત દર્દીઓ સારવાર માટે લાવવામાં આવ્યા હતા

મેન્ટલ હોસ્પિટલમાં ૧૫ દિવસ અગાઉ સુરતથી ૮થી ૧૦ દર્દીઓને સારવાર માટે ખસેડાયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે જિલ્લા બહારથી આવતા તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવતા હોવાથી સુરતથી આવેલા આ દર્દીઓના પણ કોરોના ટેસ્ટ કરાવવાની માંગ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. જો તે વખતે તમામ દર્દીઓના ટેસ્ટ કરાવવામાં આવ્યા હોત, તો કદાચ પરિસ્થિતિ કાબુ બહાર ન જતી.

તકેદારીના તમામ પગલાંઓ લીધા છે

ગઈકાલે બે દર્દીઓની તબિયત બગડી હોવાનું જાણવા મળતા તેમને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. આજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી અમે હોસ્પિટલમાં સૅનેટાઇઝેશન સહીતની તમામ તકેદારીના પગલાઓ લેવામાં આવ્યા છે. આ ઉપરાંત દર્દીઓમાં પણ આઇસોલેશન, સૅનેટાઇઝેશન સહીત તેમના માટે યોગ્ય સારવારની સુવિધાઓની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ડાૅ. રાકેશ શાહ, સુપ્રિટેન્ડન્ટ, મેન્ટલ હોસ્પિટલ