વડોદરા,તા.૬ 

શહેરના વાડી વિસ્તારમાં આવેલી વચલી પોળના એક મકાનમાં આજે બપોરના સમયે એકાએક આગ લાગી ગઈ હતી. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. સદ્‌નસીબે આ બનાવમાં કોઈ જાનહાની નોંધાઈ ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના વાડી વિસ્તારમાં આવેલી વચલી પોળમાં આવેલા એક જૂનું બાંધકામ ધરાવતા બંધ મકાનમાં અચાનક આગ લાગતાં નાસભાગ મચી ગઇ હતી. મકાનમાં રહેતા કમલેશભાઇ શાહ કોરોના સંક્રમિત હોવાથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે પરિવારના બે સભ્યો બીજા મકાનમાં હોમ ક્વોરન્ટીન થયેલા છે, જ્યારે તેમના મકાનની બાજુમાં પણ બે વ્યક્તિઓ કોરોનાગ્રસ્ત છે. આગની જ્વાળાઓ દેખાતા આસપાસના રહીશો એકઠા થઇ ગયા હતા. ઘટના અંગે સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી તરત જ દાંડિયા બજાર ફાયર સ્ટેશનના લાશ્કરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સાંકળી ગલીઓ હોવાને કારણે અગાઉ આ પ્રકારના વિસ્તારોમાં પહોંચવામાં ફાયર બ્રીગેડને તકલીફ પડતી હતી. જાેકે, અત્યાધુનિક ફાયર એંજિન્સને કારણે આ વખતે વગર કોઈ તકલીફે ગણતરીની મિનિટોમાં ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જાેકે, આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ ન હતી.

કારેલીબાગમાં પાર્ક કરેલા ટેમ્પોમાં આગ

શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા જલારામ મંદિર પાસે ટ્રાન્સપોર્ટની ઓફિસ પાસે પાર્ક કરેલા એક ટેમ્પોમાં રહસ્યમય સંજાેગોમાં આગ લાગી હતી. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આજે બપોરે ૩ વાગ્યાના સુમારે કારેલીબાગ સ્થિત જલારામ મંદિર પાસે એક ટ્રાન્સપોર્ટ કંપનીની ઓફિસ પાસે પાર્ક કરેલ એક ટેમ્પો માં રહસ્યમય સંજાેગોમાં આગ લાગી ગઈ હતી. ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા રાહદારીયુઓમાં કુતુહલભર્યા દ્રશ્યો સર્જાયા હતા. રાહદારીઓ પૈકી એક વ્યક્તિએ આ અંગે ફાયર બ્રિગેડને ફોન કરતા તાત્કાલિક ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો.