વડોદરા, તા.૩૦

વડોદરા આવેલા કેન્દ્રિય રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે, પાછલાં વરસોમાં ભારતમાં જે રીતે વિકાસ થયો છે અને વિશ્વમાં દેશની પ્રતિષ્ઠા વધી છે. ભારત ર૦૩૦ સુધી વિશ્વની ટોપ-૩ અર્થવ્યવસ્થા બની જશે. તેમણે કહ્યું હતું કે, કોઈ પાર્ટી પોતાનું અસ્તિત્વ બચાવવા માટે તો કોઈ પાર્ટી પોતાની ઉપસ્થિતિ બતાડવા માટે ચૂંટણી લડી રહી છે.

વૈષ્ણવ સમાજ દ્વારા આયોજિત મતદાન જાગૃતિ સંમેલનમાં સંબોધતાં કેન્દ્રિય રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે, સ્વસ્થ લોકતંત્રમાં તમે મતદાનનું મહત્ત્વ જાણો છો. એક મત દેશની દશા અને દિશા બદલી શકે છે. ર૭ વર્ષમાં જે માર્ગ પર ચાલી રહ્યા છે, દર્શન કરી રહ્યા છો એ જ માર્ગનું દર્શન કરો તેવી અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યાબાદ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની પ્રતિષ્ઠા વધી છે. આજે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત કાંઈ બોલે તો દુનિયા કાન ખોલીને સાંભળે છે.

તેમણે કોંગ્રેસના અધ્યક્ષે વડાપ્રધાન અંગે કરેલા નિવેદનની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે, વર્ષોજૂની પાર્ટીના અધ્યક્ષ આવા શબ્દનો પ્રયોગ કરે તે કેટલું યોગ્ય છે. વધુમાં એમ પણ કહ્યું હતું કે, આર્થિક રીતે પણ ભારત ખૂબ પ્રગતિ કરી રહ્યું છે. આજે વિશ્વની ટોપ-પ અર્થવ્યવસ્થમાં દેશ પહોંચ્યો છે. વર્ષ ર૦૩૦ સુધીમાં ભારત ટોપ-૩ અર્થવ્યવસ્થા બની જશે અને ર૦૪૬ સુધી વિશ્વની સૌથી મજબૂત અર્થવ્યવસ્થા બને તેવી સંભાવના નકારી શકાતી નથી તેમ પણ તેમણે કહ્યું હતું.

વધુમાં તેમણે કહ્યું હતું કે, આ ચૂંટણીમાં કોઈ પાર્ટી અસ્તિત્વ બચાવવા માટે તો કોઈ પાર્ટી તેમની ઉપસ્થિતિ બતાડવા માટે ચૂંટણી લડી રહી છે. તેમણે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે આ ચૂંટણીમાં તમામ પાછલાં રેકોર્ડ તોડીને ભાજપ સર્વાધિક બેઠકો મેળવશે. કેન્દ્રિય રક્ષામંત્રી પોલોક્લબ ખાતે આયોજિત ભાજપના ડોકટર્સ સંમેલનમાં પણ ઉપસ્થિત રહીને સંબોધન કર્યું હતું.