ગાંધીનગર

ગુજરાતમાં રાજ્ય સરકાર, ખાનગી ક્ષેત્ર અને સામાજિક સંગઠનો ખભે ખભા મિલાવીને આ મહામારીમાં લોકોને રાહત પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે, તેમ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થ અને સક્ષમ નેતૃત્વમાં સમગ્ર દેશ એક જૂથ થઈને કોરોના સામેનો જંગ લડી રહ્યો છે ત્યારે તમામ રાજ્યોએ આ લડાઈ સાથે મળીને લડવી પડશે. તેમણે કહ્યું હતું કે, કોરોનાનો મુકાબલો સાથે મળીને કરીશું તો આપણી જીત નિશ્ચિત છેે તેમ પણ મુુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભારતના રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સંવાદ કર્યો હતો. આ વીડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ૧૫મી માર્ચે રાજ્યમાં ૪૨ હજાર બેડ હતા તેની સામે હાલ રાજ્યમાં ૯૦ હજાર બેડ ઉપલબ્ધ છે. ૧૮૦૦ થી વધુ કોવિડ હોસ્પિટલોમા ૧૧,૫૦૦ આઇ.સી.યુ. બેડ અને ૫૧ હજાર ઓક્સિજન બેડ ઉપલબ્ધ છે. આ સાથે ટેસ્ટિંગમાં વધારો કરીને ૫૦ હજારની સામે ૧.૭૫ લાખ કરાયા છે. જેમાં ૭૦ હજાર જેટલા આર.ટી.પી.સી.આર. ટેસ્ટનો સમાવેશ થાય છે.કોરોના સામેની લડતમાં રાજ્યની વિવિધ સામાજિક-ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવી છે. મોરબી જેવા ગ્રામીણ જિલ્લામાં ૬૩૦ પથારીઓની ક્ષમતા વાળા પાંચ કોવિડ હેલ્થ સેન્ટર, વડોદરામાં બીએપીએસ દ્વારા કોવિડ ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલની સ્થાપના અને સુરતમાં ૧૫ કોમ્યુનિટી કેર સેન્ટર વગેરે તેના ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં નિષ્ણાંત તબીબોની એક ટાસ્ક ફોર્સ બનાવી છે. જેમાં સરકારી અને ખાનગી ક્ષેત્રના પ્રતિષ્ઠિત તબીબોનો સમાવેશ કરાયો છે. તેમના માર્ગદર્શન અને સલાહ- સુચનથી વખતોવખત કાર્યરીતિ નીતિમાં બદલાવ કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે જ આ ટાસ્ક ફોર્સે માઈલ્ડ અને મોડરેટ દર્દીઓ માટે ફેવિપેરાવિર અને આઇવર મેક્ટીન દવાના ઉપયોગની સલાહ આપી છે. તેના થકી કોરોના દર્દીઓમાં વાયરલ લોડ ઓછો કરવામાં મદદ મળશે.

કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ ગુજરાત સરકારે માઈક્રોકન્ટેનમેન્ટ ઝોન પર ધ્યાન કેંદ્રિત કર્યું છે. હાલ ગુજરાતના શહેરોમાં કુલ ૩૦,૦૦૦ જેટલા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે જેમાં ૨૦ હજાર મેડિકલ ટીમ નિયમિત ધોરણે દર્દીઓના સર્વે-સારવારનું કામ કરી રહી છે.