વડોદરા : ગોત્રીના હાઈપ્રોફાઈલ રેપકાંડમાં પોલીસ કમિશનર દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચના એસીપી ડી.એસ.ચૌહાણ સાથે ટ્રાફિક એસીપી અમિતા વાનાણી, સાયબર ક્રાઈમ બ્રાન્ચના હાર્દિક માંકડિયા અને ડીસીબી પીઆઈ વી.આર.ખેરની રચાયેલ સીટમાં સમાવેશ કરાયો છે. આ તમામ અધિકારીઓ ક્રાઈમ બ્રાન્ચની સાથે રહી તપાસ કરશે. બીજી તરફ રાજુ ભટ્ટને આજે મેડિકલ તપાસમાં પ્રથમ સયાજી હોસ્પિટલ બાદ ગોત્રી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પરંતુ પોટેન્સી ટેસ્ટ કે ડીએનએ મેળવી શકાયા નથી. આ માટે આવતીકાલે ફરીથી લઈ જવાશે. જ્યારે કાનજી મોકરિયાને ત્રણ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે.

ગત મોડી રાત્રે જૂનાગઢથી રાજુ ભટ્ટને અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા એના પરિવારને ભદ્ર કચેરી ખાતે લવાયા હતા અને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારે ચાર વાગે સયાજી હોસ્પિટલ ખાતે કોરોનાના ટેસ્ટ માટે રાજુ ભટ્ટને લઈ જવાયો હતો. દરમિયાન એના પરિવારજનોની ક્રાઈમ બ્રાન્ચ ખાતે પૂછપરછ ચાલુ રહી હતી. બાદમાં રાજુ ભટ્ટને દુષ્કર્મકાંડ અંગે પીડિતાન સંપર્કમાં કેવી રીતે આવ્યો? દુષ્કર્મ ક્યાં આચર્યું અને સ્પાય કેમેરા કોને ફિટ કરાવ્યા હતા એવા સવાલો અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. મહત્ત્વની વાત તો એ છે કે યુવતીના અશોક જૈન અને રાજુ ભટ્ટ સાથેના ફોટા કોણે વાયરલ કર્યા, એની જાણકારી મેળવવાનો પણ પોલીસે પ્રયાસ કર્યો હતો.

દુષ્કર્મની ફરિયાદ પહેલાં સમાધાનના પ્રયાસો માટે કોણે કોણે મળ્યા હતા અને કોની મધ્યસ્થીથી પ્રયત્નો હાથ ધરાયા હતા એવા સવાલો પણ પૂછવામાં આવ્યા હતા અને ભાગી જવામાં કોની મદદ લીધી હતી, આશ્રય ક્યાં મેળવ્યો હતો, ક્યાં છૂપાયો હતો એની પણ જાણકારી મેળવાઈ હતી. કોરોનાના રિપોર્ટ બાદ રાજુ ભટ્ટને અદાલત સમક્ષ રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. દરમિયાન દિવસે દિવસે ગોત્રી દુષ્કર્મ કેસની તપાસનો વ્યાપ વધતો જતાં પોલીસ કમિશનર ડો. સમશેરસિંગે તપાસ માટે સીટની રચના કરી મામલાની ઝડપી તપાસ કરી ચોક્કસ નિષ્કર્ષ ઉપર આવવાની સૂચના, ઉપરાંત આ મામલાના મુખ્ય આરોપી અશોક જૈનને ઝડપથી પકડી પાડવા માટે સૂચના આપી હતી.

સાંજના સમયે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મેડિકલ પુરાવા એકઠા કરવા માટે સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો, જ્યાં પોટેન્સી ટેસ્ટ અને ડીએનએના પરિક્ષણ માટે પોલીસે જણાવતાં આ મામલો ગોત્રી પોલીસ મથકે નોંધાયો હોવાથી હદ ગોત્રી હોસ્પિટલની હોવાનું જણાવી ત્યાં લઈ જવાનું કહેતાં ત્યાં લઈ જવાયો હતો અને ગોત્રી હોસ્પિટલે પણ પરિક્ષણ વગર તરત જ પરત ક્રાઈમ બ્રાન્ચ ખાતે રાજુ ભટ્ટને પરત લવાયો હતો.

મેડિકલ પુરાવા માટે જરૂરી ટેસ્ટ વિના પોલીસે રાજુ ભટ્ટને લઈ પરત ફરવું પડયું

દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટને પૂરતી તૈયારી વગર મેડિકલ ટેસ્ટ માટે ક્રાઈમ બ્રાન્ચે હોસ્પિટલ લઈ જવાતાં ટેસ્ટ વગર પરત ફરવું પડ્યું હતું. સૌ પ્રથમ તો ગુનો ગોત્રી પોલીસ મથકે નોંધાયો હોવાથી જ્યુરિડિકશન અંગે તબીબોએ વાંધો ઉઠાવી ગોત્રી જીએમઈઆરએસ લઈ જવાયો હતો, જ્યાં પોટેન્સી ટેસ્ટ માટે જરૂરી ખાસ પ્રકારનું પ્લાસ્ટિકનું કન્ટેનર પોલીસ લઈને નહીં ગઈ હોવા ઉપરાંત ડીએનએ ટેસ્ટ પણ થઈ શક્યો નહીં હોવાથી ક્રાઈમ બ્રાન્ચની ટીમને ટેસ્ટ વિના જ રાજુ ભટ્ટને લઈ પરત ભદ્ર કચેરી ખાતે ફરવું પડ્યું હતું.

એનઆરજીના પ્રમુખના નામે અમેરિકાથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા

કેન્દ્ર સરકારના એનઆરઆઈ વિભાગની જેમ વિદેશોમાં વસતા ગુજરાતીઓ માટે રાજ્ય સરકારે એનઆરજી પ્રભાગ શરૂ કર્યો છે, એનો હું પ્રમુખ છું એમ જણાવી રાજુ ભટ્ટે અમેરિકાના પ્રવાસ દરમિયાન ઊંચા વળતરની લાલચ આપી કરોડો રૂપિયાનંુ ઉઘરાણું કરી ફુલેકું ફેરવ્યું હતું. અમેરિકાના એટલાન્ટામાં વસતા અનેક ગુજરાતીઓને એનઆરજી પ્રભાગના વડા અને ઊંચી રાજકીય પહોંચના રાજુ ભટ્ટે દમ મારી અનેક પાસેથી રોકાણ માટે કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા. ભારત પરત ફર્યા પછી રાજુ ભટ્ટે આ લોકોના ફોન પણ રિસીવ કરવાના બંધ કરી દીધા હતા. આ અંગેની જાણ રાજયના મુખ્યમંત્રી સહિત સંબંધીત વિભાગને અમેરિકાથી અનેક ગુજરાતીઓએ કરી હોવાનું બહાર આવ્યું છે.

અશોક જૈનની આગોતરા જામીન અંગે પોલીસે કોર્ટમાં સોગંદનામું રજૂ કરવા માટે મુદત લીધી

હાઈપ્રોફાઈલ રેપકેસમાં મુખ્ય આરોપી અશોક જૈનની આગોતરા જામીનઅરજી રદ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચે અદાલતમાં સોગંદનામું રજૂ કરવા માટે આગામી ૪ ઓક્ટોબર સુધીની મુદત મેળવી છે. બહુચર્ચિત હાઈપ્રોફાઈલ યુવતીના રેપકેસમાં સંડોવાયેલ ફરાર મુખ્ય આરોપી અશોક જૈનનું પગેરું મેળવવા માટે ધમપછાડા કરતી ક્રાઈમ બ્રાન્ચને હજુ સુધી તેની ભાળ મળી નથી. ત્યારે બીજી તરફ આ કેસમાં પોલીસથી ધરપકડ ટાળવા માટે અશોક જૈનના વકીલે આગોતરા જામીનની માગણી કરી હતી, જેની મુદત આજની હતી, જે આગોતરા જામીનઅરજી નામંજૂર કરવા માટે ક્રાઈમ બ્રાન્ચના તપાસ અધિકારી દ્વારા કોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કરવાના બદલે આજે તપાસ અધિકારીએ કોર્ટ પાસે સોગંદનામું રજૂ કરવા માટે મુદત માગતી રજૂઆત કરી હતી કે આ કેસમાં બે આરોપીઓને પકડયા છે, જેની તપાસના કારણે સોગંદનામું મૂકવામાં વિલંબ થયો છે, જે રજૂઆતને ધ્યાનમાં લઈને અદાલતે પોલીસને સોગંદનામું રજૂ કરવા માટે આગામી તા.૪ ઓક્ટોબરની મુદત આપી છે.

અશોક જૈનને ભાગેડુ જાહેર કરવા પોલીસે કોર્ટમાં કરેલી અરજી પરત ખેંચી

દુષ્કર્મના કેસની ફરિયાદના ૧૦ દિવસ પછી પણ ફરાર આરોપી અશોક જૈનને ભાગેડુ જાહેર કરવા માટે અદાલતમાં ૪૦ મુજબના વોરંટની માગણી કરતા અત્રેની અદાલતની સ્પષ્ટતા બાદ પોલીસે ૭૦ મુજબના વોરંટની અરજી પરત ખેંચી હતી.

હાઈપ્રોફાઈલ રેપકેસની આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે. ત્યારે ગોત્રી પોલીસ મથકમાં ગત તા.૧૯ સપ્ટેમ્બરના રોજ એલએલબીની વિદ્યાર્થિનીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી, જે દુષ્કર્મની ફરિયાદના ૧૦ દિવસ પછી પણ આ કેસનો મુખ્ય આરોપી અશોક જૈન પોલીસના હાથે લાગ્યો નથી, તેવા સમયે પોલીસે ફરાર આરોપી અશોક જૈનને ભાગેડુ જાહેર કરવા માટે અદાલતમાં ૭૦ મુજબના વોરંટની માગણી કરતી અરજી કરવામાં આવી હતી, જેની સામે અદાલતે જણાવ્યું કે, અરજદાર અશોક જૈનની આગોતરા હાલ પેન્ડિંગ હોય તે ભાગેડુ કેવી રીતે થયો. અદાલતની સ્પષ્ટતા બાદ પોલીસે ૭૦ મુજબના વોરંટની માગણી કરતી અરજી પરત ખેંચી હોવાનું જાણવા મળે છે.