વડોદરા : ઘડિયાળીપોળમાંથી ગત બપોરે દાગીનાને પોલીશ કરાવવા માટે જઈ રહેલા જ્વેલર્સના બંગાળી કારીગરને ત્રિપુટીએ વાતચિતમાં ભોળવીને હિપ્નોટાઈઝ કરીને તેના ખિસ્સામાંથી આશરે ૩ લાખની કિંમતના છ તોલાના દાગીના કાઢી લેતા આ બનાવની વાડી પોલીસને જ્વેલર્સે જાણ કરતા પોલીસે ત્રણ શંકાસ્પદોની હાલમાં અટકાયત કરી તેઓની પુછપરછ શરૂ કરી છે.

શહેરના માંડવી વિસ્તારમાં આવેલા પટોળીયા પોળ સ્થિત શ્રીનાથજી ચેમ્બરમાં સોનાચાંદીના દાગીના બનાવવાનું કામ કરતા જ્વેલર્સ સુનિલભાઈએ ગઈ કાલે તેમની દુકાનમાં દાગીના બનાવવાની મજુરી કરતા બંગાળી કારીગર શેરોનને નજીક આવેલી અન્ય દુકાનમાં આશરે ૩ લાખની કિંમતના છ તોલા સોનાના બે નેકલેસ પોલીશ કરવા માટે મોકલ્યા હતા. શિરોન પેન્ટના ખિસ્સામાં બંને નેકલેસ મુકીને પોલીશ કરાવવા માટે નીકળતા જ તેને ઠગ ત્રિપુટી પૈકીના સફેદ શર્ટ પેન્ટ પહેરેલા એક વૃધ્ધે પહેલા રસ્તામાં આંતર્યો હતો અને તે પણ કલકત્તાનો વતની છે તેવી ઓળખ આપી શેરોન સાથે વાતચિત કરી હતી.

આ દરમિયાન તેના બ્લુ ટીશર્ટ અને કેશરી શર્ટ પહેરેલા અન્ય બે સાગરીતો પણ શેરોનની સાથે વાતચિતમાં જાેડાયા હતા અને તેઓએ કલકત્તાની ઓળખ આપી નજી આવેલા કાલીકા માતાના મંદિરમાં દર્શનના વાત કરી હતી અને વાતચિત દરમિયાન તેને હિપ્નોટાઈઝ કરીને તેના ખિસ્સામાંથી સોનાના બંને નેકલેસ કાઢી લઈ ત્રિપુટી ત્યાંથી પલાયન થઈ હતી. થોડી વાર બાદ સ્વસ્થ બનેલા શિરોનને ખિસ્સામાંથી બંને નેકલેસ ગુમ હોવાની જાણ થતાં તેણે તુરંત દુકાને પાછા જઈ શેઠને આ બનાવની જાણ કરી હતી.

તેના શેઠે જે સ્થળે બનાવ બન્યો તે વિસ્તારની દુકાનોના સીસીટીવી કેમેરાના ફુટેજની ચકાસણી કરી હતી જેમાં ઠગ ત્રિપુટી શિરોન સાથે વાતચિત કર્યા બાદ નેકલેસ લઈને અલગ અલગ રીતે પલાયન થતી દેખાઈ હતી. આ બનાવની સુનિલભાઈએ વાડી પોલીસ મથકમાં ઉક્ત બનાવની તપાસ માટે ફરિયાદ કરવા અરજી આપતા પોલીસે તપાસ શરૂ કરી હતી. મળતી વિગતો મુજબ પોલીસે આ ગુનામાં ત્રણ શંકાસ્પદોની અટકાયત કરી તેઓની પુછપરછ શરૂ કરી છે.