અમદાવાદ

કોરોનાકાળમાં રાજ્યના ખાનગી ટ્રાવેલ ઉદ્યોગની કમર તોડી નાંખી છે. ટૂર-ટ્રાવેલ સંચાલકોના કહેવા પ્રમાણે, કોરોનાને કારણે તેમના ધંધા-રોજગારી પડી ભાંગ્યા છે. જેથી રાજ્યમાં 13000 ખાનગી બસોમાંથી 5500 બસો વેચવા કાઢવામાં આવી છે. જેમાંથી 30 ટકા બસો વેચાઇ ગઇ છે. બાકીની 7500 બસોમાંથી પણ 60 ટકા બસો બંધ હાલતમાં છે.

કોરોનાને કારણે રાજ્યમાં 2300 કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ છે. જેમાં સૌથી વધારે અમદાવાદ, બીજા ક્રમે સુરત અને ત્રીજા ક્રમે રાજકોટ શહેરનો સમાવેશ થાય છે. એકલા અમદાવાદના ટ્રાવેલ સંચાલકોને કુલ 1500 કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ છે. જેથી શહેરમાં કુલ 2,750 બસોમાંથી 250 જેટલી બસો વેચવાની ફરજ પડી છે. એટલું જ નહીં કોરોનાની બીજી લહેરમાં 90 ટકા પેસેન્જરોએ પ્રવાસ પડતો મૂક્યો છે.અંદાજ છેકે એક બસ ચાલે તો 15થી 20 વ્યક્તિનું ભરપોષણ થાય છે. જેથી અમદાવાદમાં 250 બસો વેચાતાં 5000 વ્યક્તિએ નોકરી ગુમાવી પડી છે. એટલું જ નહીં 2500માંથી 50 ટકા બસો વેચવા કાઢતાં હાલ 62,500 વ્યક્તિના ભરપોષણને અસર પહોંચી છે. સાથે જ સરકાર દ્વારા છ મહિનાના ટેક્સના રાહતમાં પણ કોઇ ફાયદો થયો નથી.