આણંદ : ચાંગા સ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્‌નોલોજી (ચારુસેટ યુનિવર્સિટી) સંલગ્ન શ્રીમતી ચંદાબેન મોહનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન (CMPICA) અને ફેકલ્ટી ઓફ કમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સ દ્વારા તા.૨૧થી ૨૫ ડિસેમ્બર દરમિયાન ‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સઃ ટૂલ્સ એન્ડ ટેક્નોલોજિસ વિશે ગુજકોસ્ટ સ્પોન્સર્ડ ઓનલાઇન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. 

પાંચ દિવસના આ ઓનલાઈન વર્કશોપ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) ગુજરાત સરકાર અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્‌નોલોજીના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો છે. વર્કશોપના પેટ્રન ચારુસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના માનદ મંત્રી ડૉ. એમ. સી. પટેલ, ચારુસેટના પ્રોવોસ્ટ ડૉ.પંકજ જાેશી છે. એડવાઈઝરી કમિટીમાં ડૉ.અતુલ પટેલ (ડીન/ પ્રિન્સિપાલ, CMPICA-FCA) , અશોક પટેલ (ચારુસેટના એડવાઈઝર), ડો.એચ.જે.જાની અને ડો.બી.જી.પટેલ, રજિસ્ટ્રાર ડો.દેવાંગ જાેશી છે. વર્કશોપના કો-ઓર્ડિનેટર CMPICAના એસોસિય  પ્રોફેસર ડૉ.સંસ્કૃતિ પટેલ અને આસિસ્ટન્ટ પ્રોફેસર રચના પટેલ છે. આ વર્કશોપમાં CMPICA ઉપરાંત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના ફેકલ્ટી મેમ્બર્સ, ઉદ્યોગજગતના લોકો, રિસર્ચ સ્કોલર્સ, વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટ ઓફ થિંગ્સના મૂળભૂત ખ્યાલો રજૂ કરવાનો અને આ ક્ષેત્રે કાર્યરત ખ્યાતનામ નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલાં પ્રવચનોની શ્રેણી દ્વારા ઇન્ટરનેટ ઓફ થિંગ્સના ક્ષેત્રે ઉપલબ્ધ અત્યાધુનિક સાધનો અને ટેક્નોલોજીની શોધખોળ કરવાનો છે. આ ઉપરાંત ઓપન સોર્સ સોફ્ટવેર સાથે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ પ્લેટફોર્મ સ્થાપવા માટે સમકક્ષ સત્રો પૂરાં પાડવાનો છે.

હાલના અત્યાધુનિક ડિજિટલ વિશ્વમાં મોટાભાગના ઉદ્યોગોમાં ઇન્ટરનેટ ઓફ થિંગ્સનો વ્યાપ વધ્યો છે. તે આપણાં રોજબરોજના જીવનનો અભિન્ન અને અનિવાર્ય હિસ્સો બનેલો છે. આ પ્રકારની ટેક્નોલોજીનો નેટવર્કવાળા ઉત્પાદનો, સિસ્ટમ અને સેન્સરના વિશાળ ક્ષેત્રમાં સમાવેશ થયેલો છે, જેનાંથી કમ્પ્યુટિંગ પાવર, ઇલેક્ટ્રોનિક્સ મિનિએચરાઇઝેશન, નેટવર્ક ઇન્ટરકનેક્શન્સમાં પ્રગતિનો લાભ લઈ શકાશે. આ વર્કશોપમાં ઓનલાઈન ભાગ લેનારા તમામ ડેલિગેટ્‌સને ઇ-સર્ટિફિકેટ આપવામાં આવશે.