નડિયાદ : ઔદ્યોગિક અકસ્માતો નિવારવા અને કામદારોની સલામતી માટેના પ્રયાસના ભાગ રૂપે ડિરેક્ટોરેટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ એક માસ લાંબી સલામતી ઝુંબેશ હાથ ધરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સલામતી માસ તા.૧૭ ઓગસ્ટથી તા.૧૫મી સપ્ટે‍મ્બર સુધી મનાવવામાં આવશે. આ ગાળા દરમિયાન ઔદ્યોગિક એકમોમાં મોકડ્રિલનું આયોજન કરાશે અને કામદારોની સલામતી અંગે ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. લેબર ડિરેક્ટોરેટના અધિકારીઓ પણ આ સલામતી કાર્યક્રમમાં જાેડાશે. આ અભિયાન અંતર્ગત આજે ખેડા જિલ્લાના માતર તાલુકાના ત્રાજ મુકામે એઇજીસ ગેસ(એલપીજી) પ્રા.લિ. મૂકામે મોકડ્રિલ યોજાયું હતું. આ મોકડ્રિલ વખતે ખેડા જિલ્લાના ઔદ્યોગિક સલામતી અને હેલ્થ વિભાગના આસિ. ડિરેકટર રિના રાઠવા, ગર્વ. લેબર ઓફિસર દિપ પટેલ, પ્લાન્ટસ મેનેજર સાગર તથા પ્લાન્ટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. મોકડ્રિલ દરમિયાન લાગેલી આગને તાત્કાલિક ધોરણે ફાયર ફાયટરોની મદદથી બુઝાવી દેવામાં આવી હતી. શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્યવ સચિવ વિપુલ મિત્રાના જણાવ્યાં જણાવ્યાંનુસાર સલામતી માટેના ફરજિયાત પગલાંને અનુસરવામાં આવે તો મોટાભાગના અકસ્માણતો નિવારી શકાય તેમ છે. સેફટી માસ મનાવવાનો ઉદેશ સલામતીના નિયમોનું પાલન કરીને રાજ્યમાં ઔદ્યાગિક અકસ્માતો ઘટાડવાનો છે. સલામતીના ધોરણોને અનુસરવાને કારણે તથા ઉદ્યોગો અને કામદારોમાં બહેતર જાગૃતિને પરિણામે છેલ્લાં થોડાં વર્ષોથી ઔદ્યોગિક અકસ્માતોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, પરંતુ હજુ પણ આ આંકડાને ઓછો કરવાનો પ્રયત્ન કરવાની જરૂર ઉપર રાજ્ય સરકારે ભાર મૂકયો છે. ડિશ શ્રમ અને રોજગાર વિભાગના નેજા હેઠળ કામ કરી રહ્યું છે. ડિશના ડિરેક્ટર પી.એમ. શાહે જણાવ્યું હતું કે, આ ઝુંબેશ દરમિયાન ફેસ માસ્કનો ઉપયોગ, નિયમિત સેનિટાઇઝેશન, સોશિયલ ડિસ્ટન્સ, જેવા કોવિડ-૧૯ના નિયમોનું પણ પાલન કરવામાં આવશે. તેમાં ચૂક કરતાં એકમો સામે પ્રવર્તમાન માર્ગદર્શન મુજબ નિયમનું પાલન ન કરવા બદલ દંડાત્માક કાર્યવાહી કરવામાં આવશે.