વડોદરા-

વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાનો પ્રભાવ ઘટી રહ્યો છે. સતત ત્રણ અંકોમાં રહેતા દર્દીઓની સંખ્યા છેલ્લાં ૧૫-૨૦ દિવસથી બે અંકો પર યથાવત્‌ રહેવા પામી છે. આજે વિતેલા છેલ્લા ર૪ કલાકમાં માત્ર ૯૪ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા, તેની સામે ૧૦૭ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેથી ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા વધીને ૧૩૩૦૮ થઈ હતી. શહેર-જિલ્લામાં છેલ્લાં કેટલાંક દિવસોથી કોરોનાના નવા દર્દીઓમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. તેની સામે ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યામાં વધારો રહ્યો છે. આજે કોરોનાના ૯૪ દર્દીઓ નોંધાતાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૧૪,૯૭૩ થઈ હતી. શહેર-જિલ્લામાં વિતેલા કલાકોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ૩૨૮૭ શંકાસ્પદ કોરોનાના લક્ષણો ધરાવતી વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેમાં ૩૧૯૩ વ્યક્તિઓના કોરોનાના નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા.

આજે હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવેલા ૧૦૭ દર્દીઓમાં ૧૧ દર્દીઓને સરકારી હોસ્પિટલોમાંથી, ૧૮ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાંથી અને ૭૭ દર્દીઓને હોમ આઈસોલેશનમાંથી રજા આપવામાં આવી હતી. ડેથ ઓડિટ કમિટી દ્વારા કોરોના દર્દીના મોતને સમર્થન આપવામાં ન આવતાં તેનો મૃત્યુઆંક ૨૧૧ ઉપર સ્થિર રહ્યો હતો. શહેરની હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા ૧૪૫૪ દર્દીઓ પૈકી ૧૨૪૬ દર્દીઓની તબિયત સુધારા પર હોવાનું અને ૧૫૬ ઓક્સિજન પર અને પર (બાવન) દર્દીઓ વેન્ટિલેટર પર હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમોએ શહેરના કારેલીબાગ, માંજલપુર, મકરપુરા, આજવા રોડ, છાણી, ગોરવા, વાઘોડિયા રોડ, સમા, ગોત્રી, વાસણા રોડ, તાંદલજા, પાણીગેટ, વીઆઈપી રોડ, અકોટા, તરસાલી, નવીધરતી સહિતના વિસ્તારોમાં અને ગ્રામ્યના કરજણ, પાદરા, સાવલી, પોર, ડભોઈ, ઊંડેરા, ભાયલી, કલાલી, વાઘોડિયા, ખટંબા સહિતના વિસ્તારોમાંથી ૩૨૮૭ શંકાસ્પદ કોરોનાના લક્ષણો ધરાવતી વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા જેમાં ૩૧૯૩ નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા. આજે આવેલા ૯૪ કોરોના પોઝિટિવ દર્દીઓમાં રૂરલમાં સૌથી વધુ ૩૭ અને શહેરના ચાર ઝોનમાંથી ઉત્તર ઝોનમાંથી ૧૬, પૂર્વ ઝોનમાંથી ૧૪, પશ્ચિમ ઝોનમાંથી ૧૪ અને દક્ષિણ ઝોનમાંથી સૌથી ઓછા ૧૩ કેસ નોંધાયા હતા.