વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની તમામ ૧૯ ઈલેક્શન વોર્ડની ૭૬ બેઠકોને માટેની ચૂંટણીઓ ૨૧મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે.ત્યારે આ ચૂંટણીઓના દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે. તેમ તેમ આયારામ ગયારામની રાજનીતિ વધુને વધુ તેજ બનતી જાય છે.પરંતુ એમાં જ્યારે પણ ૨૫ -૨૫ વર્ષથી શાસન કરનાર ભાજપમાં ગાબડું પડતું જાેવા મળે છે.ત્યારે એના નેતાઓના પગ નીચેથી જાને કે ધરતી સારી જતી હોય એવો એહસાસ એના નેતાઓને થઇ રહ્યો છે. આજે આવી જ એક પીડા ભોગવવાનો શાસકોને વારો આવ્યો છે.જ્યારે ભાજપ, વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળ સાથે જાેડાયેલા પાયાના પથ્થર સમા કાર્યકર અને પાલિકાના ઈલેક્શન વોર્ડ નંબર બેના અગ્રણી એવા મનસુખ પ્રજાપતિએ પોતાના ૪૦૦ ઉપરાંત સમર્થકોની સાથે ભાજપને રામ રામ કરીને કોંગ્રેસનો હાથ પકડ્યો.એટલુંજ નહિ તેઓએ કોંગ્રેસને ઈલેક્શન વોર્ડ બેની પેનલ જીતાડી આપવાની પણ ખાતરી ઉચ્ચારતા ભાજપમાં હડકંપ મચી જવા પામ્યો છે. આને લઈને ભાજપના નેતાઓના પોતાના વિસ્તારના ગઢમાં ગાબડું પડતા નેતાઓની ઊંઘ હરામ થઇ જવા પામી છે. વોર્ડ બેના ભાજપના પાયાના કાર્યકર અને પ્રજાપતિ સમાજના અગ્રણી અને તેમના અંદાજે ૪૦૦ જેટલા સમાજના અગ્રણીઓ સહિતના સમર્થકો સાથે કોંગ્રેસના શહેર પ્રમુખ પ્રશાંત પટેલ દ્વારા કોંગ્રેસનો ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા હતા.