અમદાવાદ-

અમદાવાદ શહેરમા પરિવહન સેવા પૂરી પાડતી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની એક બસ આજે બપોરે વૈષ્ણોદેવી સર્કલ પાસે પાણી ભરેલા ખાડામા ખાબકી હતી. જો કે આ દુર્ઘટનામા ચાર લોકોને ઈજા થઈ છે. જયારે બાકીના મુસાફરો સ્થળ પર હાજર રહેલા પોલીસ કર્મીઓની મદદથી બહાર ઉગારી લેવામા આવ્યા હતા. 

વૈષ્ણોદેવી સર્કલ પાસે AMTS બસ પાણી ભરેલા ખાડામાં ઉતરી ગઈ હતી. સ્થાનિકો તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા તમામ મુસાફરોને સલામત રીતે બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં 4 વ્યક્તિઓને સામાન્ય ઇજા થતાં સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ અમદાવાદના એસજી હાઈવે પર એએમટીએસની 501 નંબરની બસ ઉજાલા સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ તરફ આવી રહી હતી. તે દરમિયાન AMTSની બસ ખાડામાં ખાબકવાનો બનાવ બન્યો હતો. AMTS બસ ખાડામાં ખાબકતા મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. ત્યારબાદ ટ્રાફિક પોલીસ અને સ્થાનિકોએ તમામ મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા. 

આ ઘટનામાં ચાર મુસાફરોને સમાન્ય ઈજા પહોંચી છે, જેઓને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલમાં જેસીબી દ્વારા માટી હટાવી બસને ખાડામાંથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.