ઓલરાઉન્ડર સોફી ડિવાઇન (Sophie Devine)ને ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન બનાવવામાં આવી છે. તે એમી સટરવેટ (Amy Satterthwaite)ની જગ્યા લેશે જે માતૃત્વ અવકાશમાંથી પરત ફર્યા બાદ વાઇસ કેપ્ટનની જવબદારી નિભાવશે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ અખબારી યાદીમાં જણાવ્યું, સોફી ડિવાઇન વ્હાઇટ ફર્ન્સ (ન્યૂઝીલેન્ડ મહિલા ટીમ)ની કેપ્ટન હશે, જ્યારે એમી સટરવેટ માતૃત્વ રજામાંથી પરત ફર્યા બાદ વાઇસ કેપ્ટનની જવાબદારી નિભાવશે.

ડિવાઇનને પાછલી સીઝનમાં કાર્યકારી કેપ્ટન તરીકે ન્યૂઝીલેન્ડ મહિલા ટીમની જવાબદારી આપવામાં આવી હતી. કેપ્ટન તરીકે તેના શાનદાર પ્રદર્શનથી તેને નિયમિત કેપ્ટન બનાવી દેવામાં આવી છે. આ 30 વર્ષીય ખેલાડીએ અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ માટે 105 વનડે અને 91 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે બંન્ને ફોર્મેટમાં 4954 રન બનાવવા સિવાય 158 વિકેટ પણ ઝડપી છે.

ડિવાઇને કહ્યું, વ્હાઇટ ફર્ન્સની આગેવાની મળવી મોટુ સન્માન છે. મેં પાછલી સીઝનમાં કેપ્ટનના રૂપમાં મારી ભૂમિકાનો આનંદ ઉઠાવ્યો હતો. ઘણીવાર પરિણામના સ્વરૂપે તે પડકારજનક રહ્યું પરંતુ મને લાગે છે કે અમે એક ટીમના રૂપમાં સાચી દિશામાં આગળ વધી રહ્યાં છીએ.