વડોદરા : ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર યુસુફ પઠાણે આંતર રાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે નિવૃત્તિની જાહેરાત કરતી પોસ્ટ સોશિયલ મિડીયા પર કરી છે. ટી-૨૦ અને વન-ડે એમ બે વર્લ્ડકપ જીતનાર ટીમ ઇન્ડિયાનો સજ્ય રહેલા યુસુફે નિવૃત્તિબાદ કહ્યું હતું કે, બે વર્લ્ડકપમાં જીત અને વર્લ્ડકપ જીત્યા પછી સચિનને ખભા પર ઉઠાવવા એ મારા ક્રિકેટ કારકીર્દીની સૌથી યાદગાર પળો હોવાનું જણાવ્યું હતું.

વડોદરાનો યુસુફ પઠાણ ભારત માટે ૫૭ વન-ડે અને ૨૨ ટી-૨૦ મેચ રમ્યો છે. તેણે ૫૭ વન-ડેમાં ૨૭ના એવરેજથી ૮૧૦ રન બનાવ્યા હતાં. અને ૩૩ વિકેટ લીધી હતી. જ્યારે ટી-૨૦ ફોર્મેટની ૨૨ મેચમા ૧૮ ઇનિંગમાં ૧૪૬ના સ્ટ્રાઇકરેટથી ૨૩૬ રન બનાવ્યા હતા અને ૧૩ વિકેટ લીધી હતી. ૨૦૦૭માં આઇસીસી ટી-૨૦ વર્લ્ડકપમા તે ટીમ ઇન્ડિયાનો સભ્ય હતો. યુસુફ પઠાણે વર્ષ ૨૦૦૭માં પાકિસ્તાન સામે ટી-૨૦ મેચથી આંતર રાષ્ટ્રિય ક્રિકેટ કારકિર્દિની શરૂઆત કરી હતી. ૨૦૦૮માં પણ તે પાકિસ્તાન સામે તેની પ્રથમ વનડે મેચ રમ્યો હતો. ૨૦૧૧માં વિશ્વ ચેમ્પિયન બનેલી ટીમ ઇન્ડિયાનો પણ તે સભ્ય હતો. જાેકે બરોડાનો ઓલ રાઉન્ડર ૨૦૧૨ પછી કોઇ આંતર રાષ્ટ્રિય મેચ રમ્યો ન હતો.

આઇપીએલમા યુસુફ રાજસ્થાન રોયલ્સુ કોલકર્તા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યો હતો. તેણે આઇપીએલમાં ૧૭૪ મેચમા ૩૨૦૪ રન બનાવ્યા હતાં. અને ૪૨ વિકેટ લીધી હતી. ૨૦૦૮થી ૨૦૧૯ સુધી યુસુફ આઇપીએલની તમામ સિઝનમાં રહ્યો હતો. જાેકે ગત સિઝન અને આ સિઝનમાં તેનો કોઇ ટીમમાં સમાવેશ કરાયો ન હતો. આઇપીએલમાં તેને શાનદાર પ્રદર્શન કર્યું હતું. આઇપીએલની પ્રથમ સિઝનમાં રાજસ્થાન રોયલ્સને ચેમ્પિયન બનાવવામાં તેણે ઓલરાઉન્ડરની ભુમિકા ભજવી હતી.

નિવૃત્તિની પોસ્ટ કરતા તેને તેના ટ્‌વીટર હેન્ડલ પર લખ્યું હતું કે, હું મારા પરિવાર, મિત્રો, ચાહકો કોચ, અને સમગ્ર દેશના ક્રિકેટ ચાહકોના પ્રેમ માટે દિલથી આભાર માનું છું. બીસીસીઆઇ અને બીસીએનો પણ તેને આભાર માન્યો હતો. તેને ટી-૨૦ અને આઇસીસી વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાની જીત અને સચિન તેન્ડુંલકરને ખભાપર ઉઠાવવાની ક્ષણને પોતાના ક્રિકેટ કારકીર્દીની શ્રેષ્ઠક્ષણ હોવાનું જણાવ્યું હતું.૪