દિલ્હી-

ભારત સરકારે પાસ કરેલા 3 કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં ઘણા રાજકીય પક્ષો પણ જોડાઈ સમર્થન કરી રહ્યા છે. ખેડૂતોને માત્ર ભારત જ નહિ પરંતુ, વિદેશથી પણ સમર્થન મળી રહ્યું છે. જેમાં અમેરિકા અને કેનેડા જેવા દેશોનો સમાવેશ છે. અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનમાં શનિવારે આ કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભારતમાં પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યોના હજારો ખેડૂતો છેલ્લા 17 દિવસથી દિલ્હીની સરહદો વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે. 

આ વિરોધ દરમિયાન પ્રદર્શનકારીઓએ મહાત્મા ગાંધીની પ્રતિમાને ખંડિત કરી હતી. પ્રદર્શનકારીઓ દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન કરવા અહીં પહોંચ્યા હતા અને કૃષિ કાયદાઓની વિરુદ્ધ નારેબાજી કરી હતી. તેમજ વૉશિંગ્ટનમાં આવેલા ભારતીય દૂતાવાસની બહાર ખાલિસ્તાની ઝંડા પણ જોવા મળ્યા હતા. આ વિશે ભારતીય દૂતાવાસે જણાવ્યું કે, પ્રદર્શનકારીઓએ મહાત્મા ગાંધી મેમોરિયલ પ્લાઝામાં મહાત્મા ગાંધીની પ્રતિમાને 12 ડિસેમ્બરે ખંડિત કરી દેવામાં આવી છે. ભારતીય દૂતવાસે પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવેલા આ કૃત્યની નિંદા કરી છે. તેમજ અમેરિકન એજન્સીઓ સમક્ષ વિરોધ વ્યક્ત કરી તેમની વિરિદ્ધ ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરી છે. ભારતીય દૂતવાસ બહાર ગાંધીજીની આ મૂર્તિનું લોકાર્પણ પૂર્વ ભારતીય પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ 16 સપ્ટેમ્બર 2000માં કર્યું હતું. આ પ્રતિમાનું લોકાર્પણ અમરિકાના પ્રવાસમાં અટલ બિહારી વાજપેયીએ અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનની હાજરીમાં કર્યું હતું. આ અગાઉ ખેડૂતના સમર્થનમાં લંડનમાં આવેલા ભારતીય હાઈકમિશનની બહાર પણ પ્રદર્શનકારીઓએ ખાલિસ્તાની ઝંડા લહેરાવી ભારત વિરોધી સુત્રોચાર કર્યાં હતા.