હરિદ્વાર-

દેશમાં કોરોનાના હાહાકાર વચ્ચે કુંભમેળામાં શાહીસ્થાન યોજાયું હતું. સોમવતી અમાસના આ શાહીસ્નામાં દેશભરમાંથી આવેલા ૩૫ લાખ જેટલાં શ્રદ્ધાળુઓએ ગંગામાં ડૂબકી લગાવી હોવાનો અંદાજ છે. જાેકે, કુંભમેળામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અશક્ય બની ગયાનું સ્થાનિક સરકારી તંત્રએ કહ્યું હતું.

૧૨ વર્ષે આવતા કુંભમેળામાં સોમવતી અમાસના શાહીસ્નાનનું ખૂબ જ ધાર્મિક મહત્વ હોય છે. આવો યોગ બહુ જ ઓછો આવતો હોવાથી સોમવતી અમાસના શાહીસ્નાનમાં દેશભરમાં લોકો ઉમટી પડયા હતા. ઉત્તરાખંડની સરકારે સરહદોએ કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા કરી હતી અને જે લોકોનો રીપોર્ટ નેગેટિવ આવે તેને જ હરિદ્વાર સુધી જવા દેવામાં આવતા હતા. જેમનો રીપોર્ટ નેગેટિવ આવે તેને જ ગંગામાં ડૂબકી લગાવવાની પરવાનગી અપાઈ હતી.

શાહીસ્નાન વખતે વિવિધ અખાડાએ શોભાયાત્રા કાઢી હતી. સોમવતી અમાસના વહેલી સવારથી અલગ અલગ ઘાટે શાહીસ્નાનની વ્યવસ્થા કરાઈ હતી. અંદાજ પ્રમાણે ૩૫ લાખ જેટલાં લોકોએ ગંગામૈયામાં ડૂબકી લગાવીને પૂણ્યનું ભાથું બાંધ્યું હતું. અખાડા માટે અલગ વ્યવસ્થા થઈ હતી અને શ્રદ્ધાળુઓ માટે અલગ ઘાટ નક્કી કરાયા હતા.

કુંભમેળાના ઈન્સ્પેક્ટર જનરલ સંજય ગુંજયાલે કહ્યું હતું કે આવડી મોટી ઈવેન્ટમાં ૧૦૦ ટકા કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું અશક્ય છે, તેમ છતાં સ્થાનિક પ્રશાસને શક્ય એટલા પ્રયાસો કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે જાે અમે એ મુદ્દે વધુ સખ્તાઈ વાપરી હોત તો કુંભમેળામાં નાસભાગ મચી જવાની દહેશત હતી.  કુંભમેળામાં ૨૦,૦૦૦ પોલીસ જવાનો તૈનાત કરાયા છે. ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે કહ્યું હતું કે કુંભમેળામાં શાહીસ્નાન કોઈ જ મોટી દોડધામ વગર પૂર્ણ થયું હતું.