દિલ્હી,

25 જૂન 1975ના રોજ દેશમાં કટોકટીની જાહેરાત કરવામાં આવી હતી. કટોકટીને આજે 45 વર્ષ પૂરા થવા પર અમિત શાહે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના કાર્યકાળમાં લગાવવામાં આવેલી કટોકટીને લઈને કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કર્યા હતા. તેમણે ટ્વિટ કરીને કોંગ્રેસ પાર્ટીની લોકતાંત્રિક પ્રકિયા પર સવાલો ઉઠાવ્યા હતા.

ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, આ એક કડવું સત્ય છે કે કોંગ્રેસ નેતા પોતાનું શોષણ અનુભવી રહ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ નેતા હતાશ કેમ થઈ રહ્યા છે. અમિત શાહે કહ્યું કે, 45 વર્ષ પહેલા આજના દિવસે સત્તાની લાલચમાં એક પરિવારે દેશમાં કટોકટી લાગુ કરી હતી. તેમણે કહ્યું કે, રાતોરાત દેશને જેલમાં બદલવામાં આવ્યો હતો.ગરીબો અને દલિતો પર અત્યાચાર કરવામાં આવ્યો હતા.

કોંગ્રેસ વર્કિંગ કમિટીની હાલની બેઠકનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે, બેઠક દરમિયાન વરિષ્ઠ સભ્યો અને અન્ય સભ્યોએ કેટલાક મુદ્દાઓ ઉઠાવ્યા હતા પરંતુ તેમને શાંત કરાવવા માટે તેમને દબાવવામાં આવ્યા હતા. પાર્ટીના એક પ્રવકતાને વિચાર્યા વગર બરખાસ્ત કરવામાં આવ્યા હતા.

કટોકટીને આજે 45 વર્ષ પૂરા થવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આજથી ઠીક 45 વર્ષ પહેલા દેશ પર કટોકટી થોપવામાં આવી હતી. તે સમયે ભારતની લોકશાહીની રક્ષા માટે જે લોકોએ સંઘર્ષ કર્યો, દુઃખ સહન કર્યા, તે બધાને મારા શત-શત- નમન! તેમના ત્યાગ અને બલિદાનને દેશ ક્યારેય ભુલી શકશે નહીં.