છોટાઉદેપુરઃ

 સમગ્ર દેશમાં યોજાઇ રહેલા ઇન્ડિયાજ્ર૭૫ આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લામાં એસ.એફ હાઇસ્કુલ, છોટાઉદેપુર ખાતે જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. ૭૫ વર્ષ પૂરા થવાના ઉપલક્ષમાં ૭૫ અઠવાડિયા પૂર્વથી ઇન્ડિયાજ્ર૭૫ આઝાદી કા અમૃત મહોત્સવ અને મહાત્મા ગાંધી દ્વારા આયોજીત ઐતિહાસિક દાંડીયાત્રાની ૯૧મી, વર્ષગાંઠ નિમિત્તે સાબરમતિ આશ્રમથી શરૂ થનારી દાંડીયાત્રાના ઉપલક્ષમાં રાજયમાં ૭૫ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી છોટાઉદેપુરમાં એસ.એફ હાઇસ્કુલ, છોટાઉદેપુર અને ડી.બી.પારેખ હાઇસ્કુલ, સંખેડા ખાતે એમ બે જગ્યાએ કાર્યક્રમ યોજાયો હતો. છોટાઉદેપુર ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન આદિજાતિ વિકાસ નિગમના ડિરેકટર જશુભાઇ રાઠવાએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પૂ. બાપુની દાંડીયાત્રા અંગે વિગતે જાણકારી આપી હતી. તેમણે દાંડીયાત્રાના ઐતિહાસિક મહત્વને ઉજાગર કરી દેશના સ્વાધિનતા સંગ્રામમાં દાંડીયાત્રા દિવાદાંડી સમાન સાબિત થઇ હોવાનું જણાવ્યું હતું. તેમણે પૂ. મહાત્મા ગાંધીની દાંડીયાત્રાએ સમગ્ર દેશમાં આઝાદીની એક અનોખી આહલેક જગાડી હોવાનું જણાવી આઝાદીના ૭૫ વર્ષ બાદ ફરી એક વખત શરૂ કરવામાં આવેલી આ દાંડીયાત્રા સાચા અર્થમાં પૂ. મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ સમાન છે.