અમદાવાદ

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધીશોએ આજે એટલે મંગળવારે એએમટીએસનું વર્ષ ૨૦૨૧-૨૨નું રૂ.૫૨૩.૭૩ કરોડનું ડ્રાફ્ટ બજેટ મંજુર કરી દીધું છે અને આગામી નાણાંકીય વર્ષમાં વાર્ષિક ખોટ રૂ.૩૫૦ કરોડને પાર થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. સાથે કોરોનાની મહામારીના કારણે ગત વર્ષમાં અંદાજીત ૧૩૧.૩૮ કરોડની આવક સામે માત્ર ૩૫ કરોડની આવક થઈ છે, કોરોનાને કારણે એએમટીએસને રૂ.૯૬.૩૮ કરોડનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

એએમટીએસ દ્વારા આજે વર્ષ ૨૦૨૧-૨૨નું વાર્ષિક ડ્રાફ્ટ બજેટ મંજુર કરવામાં આવ્યું છે. આગામી નાણાંકીય વર્ષમાં ૭૦૦ બસો દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. એએમટીએસનું રૂ.૫૨૩.૭૩ કરોડનું ડ્રાફ્ટ બજેટ મંજુર કરાયું છે જેમાં બસો દોડાવીને માત્ર ૧૧૭ કરોડની આવક થશે જ્યારે ૩૮૯ કરોડની ખોટ જશે. આ ખોટ પૂર્ણ કરવા મ્યુનિ. પાસેથી લોન લેવાશે. ગત વર્ષનું બજેટ રૂ.૫૦૩ કરોડ હતું જેમાં આ વર્ષે ૨૦ કરોડ જેવો વધારો થયો છે જ્યારે ગત વર્ષની ખોટ ૩૫૫ કરોડ હતી જે આગામી વર્ષમાં વધી ૩૮૯ કરોડ થઈ જશે. આ સાથે આગામી વર્ષમાં રવિવારે ઓછી બસો દોડાવવામાં આવશે. આ સિવાય સરકાર પાસેથી ૧૦૦ મીડી બસો મેળવીને દોડાવવામાં આવશે.

રાજ્ય સરકારની ફોમ્ર્યુલા પ્રમાણે ૧લી એપ્રિલથી એએમટીએસની બસના ભાડા વધે તેમ હતા. જેમાં પ્રથમ સ્ટેજના રૂ.૪ અને બીજા સ્ટેજના ૮ થાય એમ હતા પણ મ્યુનિ.કમિશનર દ્વારા ભાડા વધારાને મંજૂરી આપી નથી. જુના ભાડા પ્રથમ સ્ટેજના રૂ.૩ અને બીજા સ્ટેજના રૂ.૭ યથાવત રાખી મુસાફરોને રાહત આપી છે.