વડોદરા,તા.૨૬  

વડોદરા પાલિકામાં આઉટ ગ્રોથના સાત ગામોને સમાવવા સામે ગ્રામજનોમાં ભભૂકતો રોષનો લાવા ઠંડો થવાનું નામ લેતો નથી.રોજે રોજ આ ગામોમાં સરકાર અને પાલિકા સામે સૂત્રોચ્ચાર,દેખાવો,વિરોધ અને પૂતળા દહન જેવા કાર્યક્રમો યોજાય છે.જેમાં શુક્રવારે ઉંડેરા- કરોળિયાને પાલિકામાં સમાવવા સામે ઉગ્ર વિરોધ સહ દેખાવો,સૂત્રોચ્ચાર,પૂતળા દહનના કાર્યક્રમો યોજાયા હતા. તેમજ ગ્રામજનોએ આ નિર્ણયનો વિરોધ કરતા સંકલ્પ કર્યો હતો કે જયાસુધી આ ગામોં પાછા આપવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે તેવી જાહેરાત કરાતા હડકંપ મચી જવા પામ્યો છે.

ગુજરાત સરકાર દ્વારા ગત ૧૮મી જૂને વડોદરા તાલુકાના સાત ગામોનો વડોદરા કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં બિલ,ભાયલી,સેવાસી,કરોડિયા,ઉંડેરા,વડદલા અને વેમાલીનો સમાવેશ થાય છે. આ નિર્ણયનો સાત ગામના લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે જે અંતર્ગત વડોદરા તાલુકાના ઉંડેરા ગામમાં ગ્રામજનો દ્વારા આ નિર્ણયનો વિરોધ કરી ઉગ્ર સૂત્રોચ્ચાર અને પુતળાદહનનો પ્રયાસ થયો હતો આ પ્રસંગે ગામના આગેવાન અને વડોદરા જિલ્લાના કોંગ્રેસના સંગઠન મહામંત્રી હિતેષ દેસાઈ, કોંગ્રેસ આગેવાન જોગેશ્વરી મહારાઉલ, જયેન્દ્ર ચાવડા, ભાજપ તાલુકા પંચાયતના સદસ્ય તેજસ પટેલ, સરપંચ દિપીક્ષા પટેલ, ડેપ્યુટી સરપંચ દિનેશ સુથાર સહિતના તમામ ગ્રામજનોએ કોઈપણ પ્રકારના રાજકીય પાર્ટીના બેનર વગર આ કાર્યક્રમ કરી વડોદરા મહાનગર સેવાસદનમાં ઉંડેરા ગામનો સમાવેશ બાબતે ઉગ્ર વિરોધ કર્યો હતો અને જયાસુધી આ ગામ પાછું આપવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે તેવી જાહેરાત કરી હતી. કાર્યક્રમ ઉગ્ર બનતાં ગ્રામજનોએ ખૂબ જ ભારે સૂત્રોચ્ચાર સાથે પૂતળા દહન કાર્યક્રમ રાખ્યો હતો.આજ પ્રમાણે કરોળિયા ગામમાં પણ ગ્રામજનો દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમો યોજાયા હતા.

વડોદરા કોર્પોરેશનના ઉંડેરા ગામનો સમાવેશ કરવા ગ્રામ લોકો ખુબજ આક્રોશ ફાટી નીકળ્યો છે તે અંતર્ગત ઉડેરા ગામના આગેવાન હિતેશ દેસાઈ, બેચર અમિન, નંદકિશોર પરદેશી, મહેશ પટેલ, દિનેશ સુથાર દ્વારા કોર્પોરેશનના પૂતળાદહનનો કાર્યક્રમ કરતા જ જવાનગર પોલીસે આ તમામની ધરપકડ કરી હતી. એક જ માંગ છે કે “વડોદરા કોર્પોરેશન જો શહેરના લોકોને જ સુવિધા નથી પૂરી પાડી શકતી તો અમારા ગામના વિકાસમાં કઈ રીતે કરશે કારણ કે વડોદરા કોર્પોરેશનના વિસ્તારોમાં ગંદા પાણી, ઉભરાતી ગટરો વગેરે અનેક સમસ્યાઓ છે ત્યારે ઉંડેરા ગામમાં કોઈ સુવિધા પૂરી પાડી શકે નહીં તેથી અમારા ઉગ્ર વિરોધ છે”

વધુ એક ૫ૂર્વ ધારાસભ્યનો વિરોધ

ભાજપના ડભોઈના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પાદરાના ધારાસભ્ય દિનુમામાએ લખેલા પત્રની આબેહૂબ નકલ કરીને સાત ગામોને વડોદરા પાલિકામાં સમાવવા સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.તેમજ આ બાબતે તાત્કાલિક ફેરબદલ કરવામાં આવે એવી માગણી કરી એમાં ફેરફાર કરાય નહિ તો ડભોઇ વિધાનસભા માટે વિસ્તારમાં આવતા ત્રણ ગામોના લોકોની સંવેદનાની સાથે રહીને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.