વડોદરા : નેશનલ હાઈવે બાયપાસ જાંબુઆ બ્રિજ નજીક મંગળવારના રોજ બપોરના સમયે ટેન્કર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં બાઈકસવાર દંપતી અને માસૂમ બાળક સહિત ત્રણનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એક પુત્રનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત બાદ ગભરાઈ ગયેલા ટેન્કરચાલકે પોતાની ટેન્કર હાઈવે પર હંકારી મુકી વરણામા પાસે ટેન્કરને છોડી ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતના બનાવને પગલે લોકોના ટોળાં ભેગા થઈ જતાં હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. જાે કે, આ બનાવની જાણ મકરપુરા પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

આ અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગત અનુસાર જાબુઆ નજીક આવેલ મુંઝર ગામડીના રહેવાસી નઝીર રતિલાલ ભલાવત (ઉં.વ.૩૫), પત્ની હસીનાબાનુ (ઉં.વ.૩૧), પુત્ર રિઝવાન (ઉં.વ.૬) અને બીજાે પુત્ર જુનેદ (ઉં.વ.દોઢ વર્ષ) મંગળવારે બપોરના સમયે બાઈક ઉપર પોતાના ગામથી ગોરિયાદ સામાજિક પ્રસંગે જવા નીકળ્યા હતા, જ્યાંથી પ્રસંગ પતાવી તેઓ બાઈક પર પરત પોતાના ગામ તરફ આવી રહ્યા હતા તે દરમિયાન માતેલા સાંઢની જેમ દોડતી ટેન્કરના ચાલકે બાયપાસ હાઈવે પર જાબુઆ બ્રિજ નજીક દંપતીની બાઈકને અડફેટે લીધી હતી. ટેન્કરની ટક્કરે બાઈકસવાર ભલાવત પરિવાર હાઈવે પર ફંગોળાઈ ગયો હતો. નેશનલ હાઈવે પર પટકાયેલા નઝીર ભલાવત પત્ની હસીનાબાનુ અને દોઢ વર્ષના પુત્ર જુનેદ ઉપર ટેન્કરનાં પૈડાં ફરી વળતાં ત્રણેયના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે એક પુત્ર રિઝવાન (ઉં.વ.૬)ને ઈજાઓ થતાં સારવાર માટે ખસેડયો હતો. અકસ્માતના બનાવને પગલે લોકોના ટોળાં એકત્રિત થઈ ગયાં હતાં જેના કારણે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માતના બનાવ બાદ ગભરાયેલા ટેન્કરચાલક પોતાની ટેન્કર હંકારી બનાવના સ્થળેથી ભાગી ગયો હતો. જાે કે, પોલીસ ટેન્કરનો પીછો કરશે તેવા ડરથી વરણામા પાસે ટેન્કર બિનવારસી છોડીને ભાગી છૂટયો હતો. આ ગમખ્વાર અકસ્માત અને હાઈવે પર ટ્રાફિક જામ થયાની જાણ મકરપુરા પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતકોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.