વડોદરા : વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં યોજાનાર વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીઓને લઈને ૨૮મીથી કસરત શરુ કરવામાં આવશે. જેના સંદર્ભમાં વડોદરા શહેર કોંગ્રેસના નેતાઓની પ્રદેશમાં મહત્વની બેઠક યોજાનાર છે. આ બેઠકમાં ઇન્ચાર્જના અભિપ્રાયના આધારે વિવિધ વોર્ડના દાવેદાર ઉમેદવારોના નામ સંદર્ભે ચર્ચા વિચારણાઓ થવાની સંભાવનાઓ છે. જેના આધારે આગામી દિવસોમાં આખરી યાદી રજુ થનાર હોવાનું જાણવા મળ્યું છે. અલબત્ત ભાજપ કરતા કોંગ્રેસમાં ચોથા ભાગના દાવેદારો હોઈ ઉમેદવારોની પસંદગીને માટે ભાજપ જેટલો માથાનો દુખાવો બની રહેશે નહિ. વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રશાંત પટેલ અને પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવને પ્રદેશ કક્ષાએ આગામી વડોદરા પાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પ્રદેશ કક્ષાએ ચર્ચા વિચારણાને માટે બોલાવવામાં આવ્યા છે. તારીખ ૨૮ મી જાન્યુઆરીના રોજ યોજાનાર આ મીટીંગમાં આગામી ચૂંટણીઓમાં વિજય મેળવવાને માટેના લક્ષ્ય બાબતે અને રણનીતિ બાબતે ગહન ચર્ચા વિચારણાઓ કરવામાં આવશે. લાંબા સમયથી કોંગ્રેસ પક્ષ સત્તાની બહાર છે. ત્યારે સત્તા પ્રાપ્ત કરવાને માટે કાયા કાયા સ્થાનિક પ્રશ્નોને આગળ ધરીને અને શાસકોની નિષ્ફળતાની કઈ બાબતોને ઉજાગર કરીને મતદારો પાસે જવું એ બાબતની સવિસ્તાર ચર્ચા થશે. આ ઉપરાંત પ્રદેશ કક્ષાએથી ઉમેદવારી નોધાવવાને માટે દાવેદારી રજુ કરનારની સેન્સ લેવામાં આવી હતી. એની પણ ચર્ચા કરવામાં આવશે. આગામી બે ત્રણ દિવસમાં કોંગ્રેસ દ્વારા પ્રદેશ કક્ષાએ ચૂંટણીઓના સંદર્ભમાં મિટિંગો યોજાનાર છે. જેમાં ઇન્ચાજાર્ેએ લીધેલા અભિપ્રાય બાબતે પણ ચર્ચા થશે. ત્યારબાદ ઉમેદવારીઓની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે. જેમાં સર્વસંમતિથી ઉમેદવારોની પસંદગીનો પ્રયાસ કરાશે. જેથી આગામી ચૂંટણીઓમાં કોઈપણ પ્રકારનો વિવાદ રહે નહિ. જાે કે આ વખતની પાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસ દ્વારા આક્રમકઃ લડત આપવાને માટે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. જેને લઈને સત્તા હાંસલ કરવાના દાવાઓ કરાઈ રહ્યા છે. આને માટે જૂથબંધીને ટાળીને સર્વને સાથે રાખીને ચૂંટણીઓમાં ઝંપલાવવામાં આવશે એમ પક્ષના અગ્રણીઓ જણાવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા આને માટે સફળ પ્રયાસો થયાનું પણ ઉમેર્યું હતું.

-------------------------------------------------------------------------------------

કોંગ્રેસમાં સવા ચારસો જેટલાની દાવેદારી

વડોદરા મહાનગર પાલિકાની આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ દ્વારા દાવેદારોની સેન્સ પ્રદેશથી આવેલા અગ્રણીઓ દ્વારા લેવામાં આવી હતી. એમાં તમામે તમામ ૧૯ વોર્ડની ૭૬ બેઠકોને માટે અંદાજે સવા ચારસો જેટલા કાર્યકરોએ ઉમેદવારીને માટે પોતાની દાવેદારી નોંધાવી હતી. જેમાં સૌથી વધુ દાવેદારી વોર્ડ નંબર છ અને દશમા કરવામાં આવી છે. જ્યાં ૨૫ થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.