આણંદ : આણંદ તાલુકાના હાડગુડના લેન્ડ માફિયા દ્વારા ગ્રામ પંચાયતની માલિકીની સરવે નં.૧૦૧માં આવેલી ૧૦૦૦ ચોરસ મીટર જમીન આવાસ માટે નીમ થયેલી હતી. પંચાયતની માલિકીની જમીન ઉપર ડોળો નાખી માથાભારે ઈસમ શાબિરશા દિવાને ગેરકાયદેસર કબજાે જમાવી ગેરકાયદેસર કોમ્પ્લેક્સ પણ ઊભું કરી દીધું હતું. દુકાનો અને ઓરડીઓ બનાવી તેને ભાડે આપી પંચાયતની જમીન પચાવી પાડી હતી. અનઅધિકૃત રીતે ભાડું ઉઘરાવતાં આ લેન્ડ માફિયાએ પંચાયતની જગામાં બાંગલાદેશી ઘૂસણખોરોને શરણ આપી તેઓના ખોટા દસ્તાવેજાે પણ બનાવ્યાં હતાં. આણંદ એસઓજીએ રેઇડ કરી તમમની ધરપકડ કરી છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોને શરણ આપતાં અને પંચાયતની જમીન ગેરકાયદેસર રીતે હડપ કરી ગયેલાં શાબિરશા દિવાનની વિરુદ્ધ તાલુકા વિકાસ અધિકારીએ આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તેની ધરપકડ કરવામાં આવી છે.

સૂત્રોનું જણાવવું છે કે, આણંદ તાલુકાના હાડગુડ ગ્રામ પંચાયતની સરવે નં.૧૦૧માં ૪૭.૫૫ હેક્ટર જમીન પૈકી ૧૦૦૦ ચોરસ મીટર આવાસ માટે નીમ થયેલી હતી. ગ્રામ પંચાયત હાડગુડની માલિકીની જમીનમાં શાબિરશા રમજાનશા દિવાને ગેરકાયદેસર કબજાે જમાવી કોમ્પ્લેક્સ બનાવી ૧૬ દુકાનો તથા ૮ ઓરડીઓ ભાડે આપી દીધી હતી. અનઅધિકૃત રીતે ભાડંુ મેળવી જમીન પર ગેરકાયદેસર કબજાે જમાવ્યો હતો. આ ગેરકાયદેસર કરેલું બાંધકામ દૂર કરવા ગ્રામ પંચાયત હાડગુડના સરપંચ રજીયાબાનુ સિકંદરશા દિવાને તા.૧૦ ઓગસ્ટ, ૨૦૨૦ અને તા.૧૯ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ નોટિસ આપી જણાવ્યું હતું. તેમ છતાં આરોપીએ કબજાે છોડ્યો નહોતો.

દરમિયાન ચોંકાવનારી બાબત એ સામે આવી હતી કે, જમીન માફિયા શાબિરશા રમજાનશા દિવાને આ ગેરકાયદેસર કોમ્પ્લેક્સમાં આવેલી ઓરડીઓમાં બાંગલાદેશી ઘૂસણખોરોને શરણ આપી તેઓના બનાવટી દસ્તાવેજાે ઊભાં કરી ભારતીય નાગરિક તરીકે ગેરકાયદેસર ઓળખ આપવી દીધી હતી. હાડગુડના સરપંચની ૧ ઓક્ટોબર, ૨૦૨૦ની અરજી અનુસંધાને આણંદ એસઓજીએ આ સ્થળે રેઇડ કરી ૧૩ બાંગલાદેશીઓને ઝડપી લીધાં હતાં. આ મામલે એસઓજીએ શાબિરશા દિવાન વિરુદ્ધ આણંદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો.

આ અંગે ગ્રામ પંચાયતના સરપંચ રજીયાબાનુ સિકંદરશા દિવાને કલેક્ટરને અરજી આપી શાબિરશા દિવાન વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવાની માગ કરી હતી. આ મામલે જિલ્લા કક્ષાની લેન્ડ ગ્રેબિંગ સમિતીમાં તેનાં પર સુનાવણી થઈ હતી. સમિતીમાં ગ્રામ પંચાયતની આવાસ માટે નીમ થયેલી જમીન પર ગેરકાયદેસર કબજાે જમાવી જમીન પચાવી પાડી આર્થિક લાભ મેળવ્યો હોવાનું સાબિત થતાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો બનતો હતો. સમિતી દ્વારા આ અંગે તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ નોંધાવવા આદેશ આપતાં આણંદ તાલુકા પંચાયત કચેરીના તાલુકા વિકાસ અધિકારી અમિતકુમાર પટેલે આણંદ ટાઉન પોલીસ મથકે શાબિરશા રમજાનશા દિવાન વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ ૪(૧), ૪(૨), ૪(૩), ૫(સી), ૫(ડી) હેઠળ ગુનો નોંધાવી આરોપી શાબિરશા રમજાનશા દિવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ગુજરાત રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગનો કાયદો અમલમાં આવ્યાં બાદ આણંદ જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ટાઉન પોલીસ મથકમાં પ્રથમ ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

લેન્ડ ગ્રેબિંગ એક્ટનો કડક અમલ ક્યારથી શરૂ થયો?

નાગરિકો, ખેડૂતો કે બીજા કોઈની જમીન હડપ કરનારાઓ સામે કાનૂની સકંજાે કસવા રાજ્યમાં ૧૬ ડિસેમ્બર, ૨૦૨૦થી લેન્ડ ગ્રેબિંગ એક્ટનો અમલ શરૂ થયો હતો. ચરોતર પંથકમાં ગુરુવારે રાત્રે આ કાયદા હેઠળ પ્રથમ ગુનો નોંધાયો હતો.

-તો ૧૧ વર્ષ સુધી તંત્ર ઊંઘતું હતું!?

આણંદ નજીક હાડગુડ ગામે પંચાયતની ૧ હજાર ચોમી જગ્યા ઉપર ગેરકાયેદ કબજાે જમાવીને તેનાં પર કામ્પ્લેક્સ બનાવી ભાડું વસૂલ કરતો શાબિરશા દિવાન સામે આખરે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આવાં સમયે લોકચર્ચા એ ઊઠી છે કે, સરકારી જમીન પર ૧૧ વર્ષ સુધી કબજાે જમાવનાર વિરુદ્ધ તંત્રએ કાર્યવાહી કેમ ન કરી? શું તંત્ર ઊંઘતું હતું કે, જવાબદાર અધિકારીઓ આમાં સામેલ હતા?

ગેરકાયદે કોમ્પ્લેક્સ પર બુલડોઝર ક્યારે ફરશે?

ગેરકાયદે ઊભાં કરાયેલાં કોમ્પ્લેક્સ પર તંત્ર દ્વારા ક્યારે બુલડોઝર ફેરવાશે તે પ્રશ્ન પણ આજે ગામ લોકોમાં ચર્ચાતો હતો. હાડગુડ ગ્રામપંચાયત દ્વારા બે માસ પૂર્વે આ ગેરકાયદે દબાણને દૂર કરવા સ્વખર્ચે પોલીસ પ્રોટેક્શનની પણ માગણી કારાઈ છે. જાેકે, હજુ સુધી આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કારાઈ નથી. તો હવે શું પોલીસને આ અરજી ધ્યાને આવશે અને તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી થશે ખરી?

ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ શું છે?

રાજ્ય સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ કાયદાને મજબૂત બનાવાયો છે. કાયદો-વ્યવસ્થાની સલામતી માટે સરકારે બાંયધરી આપી આ કાયદાને કડક બનાવ્યો છે. માફિયાઓ અને ગુંડાઓને કંટ્રોલમાં રાખવા માટે આ કાયદો બનાવ્યો છે. આ કાયદા અંતર્ગત મિલકતમાં ગેરકાયદેસર દબાણ સામે કાર્યવાહી કરવામાં આવશે. આ કાયદા અંતર્ગત ભૂમાફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. કલેક્ટરને લેખિતમાં દસ્તાવેજાે સાથે ફરિયાદ કરવાની રહેશે. સરકારે ૭ અધિકારીઓની કમિટી બનાવી છે. દર ૧૫ દિવસે ફરિયાદમાં તપાસ મુદ્દે રિવ્યૂ કરવામાં આવશે. ફરિયાદ વાજબી છે કે નહીં તેની ચકાસણી કરાશે. ૨૧ દિવસમાં કમિટી ર્નિણય લઇ કાર્યવાહી કરશે. પોલીસે ૭ દિવસમાં ફરિયાદ નોંધવાની રહેશે. સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે. ૬ મહિનામાં કેસનો નિકાલ કરવામાં આવશે. જિલ્લા પ્રમાણે સ્પેશિયલ કોર્ટની રચના કરાશે. આ કાયદા મુજબ ઓછામાં ઓછી ૧૦ વર્ષની સજા અને વધુમાં વધુ ૧૪ વર્ષની સજાની જાેગવાઈ છે. જમીન પચાવી પાડવાના કેસમાં બિનજામીનપાત્ર ધરપકડ થશે. ખોટા દસ્તાવેજ કરી મિલકતો પચાવી પાડનાર સામે કાર્યવાહી કરાશે.

શાબિરશા દિવાનનો ગુનાહિત ભૂતકાળ

હાડગુડ ગામ માટે માતોનો દુઃખાવો બનેલો જમીન માફિયા શાબિરશા દિવાનનો ગુનાહિત ભૂતકાળ છે. ૨૦૦૩ની સાલમાં હાડગુડ ગ્રામ પંચાયતની હદમાં આવેલ જમીનમાંથી માટી ચોરીનું કોભાંડ ઝડપાયું હતું, જેમાં શાબિરશા દિવાન ની સંડોવણી બહાર આવતાં તેની વિરુદ્ધ આણંદ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ હતી. ૨૦૦૪માં અન્ય એક કેસમાં આણંદ તાલુકાના સંદેશર ગામના નાનીબેન શંકરભાઈ પરમારની ઝાંખરીયા ગામે આવેલ જમીન પચાવી પાડવાના બદઈરાદે નાપાડ ગામના કેટલાંક માથાભારે ઇસમો સાથે સાઠગાંઠ કેળવી કારસો ઘડ્યો હતો. ખોટાં પાવર ઓફ એટર્ની બનાવટી બાનાખત અને બોગસ દસ્તાવેજાે તૈયાર કરી નાનીબેનના ખેતરમાં ગેરકાયદે પ્રવેશ કરી મકાન બનાવવાની કાર્યવાહી હાથ ધરતાં નાનીબહેન પરમારે ઉક્ત ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં શાબિરશાની પણ સંડોવણી બહાર આવી હતી. હાડગુડની ધી હાડગુડ કો-ઓપ-ક્રેડિટ સોસાયટી માંથી રૂ.૩૧૯૦૦ની મોટર સાઈકલની લોન ભરપાઈ ન કરી ખોટો ચેક આપી સંસ્થા સાથે ઠગાઈ કરતાં સંચાલકોએ શાબિરશા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ વખતે તેણે ક્રેડિટ સોસાયટીના સંચાલકોને જાનથી મારી નાખવાની ધમકી આપતા તેની વિરુદ્ધ આણંદ પોલીસ ચોપડે ગુનો દાખલ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે. ૨૦૦૭માં હાડગુડ ગ્રામપંચાયતની મળેલી મીટિંગમાં પાણીની પાઈપલાઈન મુદ્દે વાંધો ઊઠાવી મહિલા સરપંચ સાથે ઝઘડો કરી મહિલા સરપંચને બે-ત્રણ લાફા ઝીંકી દીધાં હતાં. આ ઉપરાંત તેની આબરું લેવાનો પ્રયાસ કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. વધુમાં વર્ષ ૨૦૧૫માં શાબિરશા રમઝાનીશા દિવાને હાડગુડના સરવે નં-૯૯/૧વાળી યાસીનશા દિવાનની જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરી તોડફોડ તેમજ પાકને નુકશાન પહોંચાડી ઘરવખરીનો સામાન તથા ખેતરની વાડને સળગાવી ખેતીના ઓજારોની લૂંટ ચલાવ્યાંનો ગુનો આણંદ પોલીસ દફતરે નોંધાયો હતો. આ ઉપરાંત બીજા અનેક ગુનાઓ તેનાં નામે નોંધાઈ ચૂક્યાં છે.