વડોદરા,તા.૨૯

ફતેગંજ વિસ્તારમાં આવેલી માય શાનેન સ્કૂલના સંચાલકોએ ધો-૧૨ સાયન્સના વિદ્યાર્થીઓએ ફી ભરી હોવા છતાં સ્કૂલ તરફથી લિવિંગ સર્ટિફિકેટ અને માર્કશિટ ન આપતા વાલીઓમાં રોષ જાેવા મળ્યો હતો. આજે વાલીઓ અને એનએસયુઆઇ સાથે મળીને વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને રજૂઆત કરી હતી.અને શાળા સંચાલકોની કમાવવાની નીતિ સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

શહેરના ફતેહગંજ વિસ્તારમાં આવેલ માય શૈનાન સ્કૂલના સંચાલકો દ્વારા વાલીઓને લૂંટવાની કોસિશ કરતા વાલીઓમાં રોષ ફેલાયો છે.આ શાળાના સંચાલક સુનિલ દ્વારા વાલીઓ પાસેથી પહેલેથી જ તમામ ફી વસુલ કરી દીધા પછી રાજ્ય સરકારની સૂચના પછી પણ ૨૫ ટકા ફીમાં રાહત આપી ન હતી.અને જ્યારે વાલીઓમાર્કશીટ કે એલસીલેવા જતા શાળા દ્વારા ફી બાકી હોવાનું જણાવીને જ્યા સુધી ફી ન ભરે ત્યાં સુધી માર્કશીટ કે એલસી નહી આપવાનું જણાવતા વાલીઓએ એનએસયુઆઇનો સંપર્ક કર્યો હતો.અને ડીઇઓમાં રજૂઆત કરી હતી. વિદ્યાર્થીના વાલી નેન્સી પટવાએ જણાવ્યું હતું કે, અમે શાનેન સ્કૂલમાં બે વર્ષમાં ૨ લાખ ૩૨ હજાર રૂપિયા ફી ભરી દીધી છે અને હવે એલસી અને માર્કશિટ લેવાનો સમય આવ્યો ત્યારે સ્કૂલ દ્વારા વધુ ૧૦ હજાર રૂપિયાની માગણી કરવામાં આવી રહી છે અને ફી ભરવામાં નહીં આવે ત્યાં સુધી લિવિંગ સર્ટિફિકેટ તેમજ પરીણામ પત્ર નહીં આપવામાં આવે તેવું કહેવામાં આવી રહ્યું છે. જેના કારણે એડમિશન પ્રક્રિયામાં મુશ્કેલી પડી રહી છે. સ્કૂલે અમને ફીમાં ૨૫ ટકાની રાહત પણ આપી હતી. અમે આજે રજા લઇને વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં રજૂઆત કરવા કરી છે. વિદ્યાર્થિની ઇશિતા પટેલે જણાવ્યું હતું કે, અમે શાનેન સ્કૂલ ફતેગંજમાં ભણીએ છીએ. અમને સ્કૂલમાંથી માર્કશિટ અને એલસી આપવામાં આવી રહી નથી. અમે ત્રણ દિવસથી ધક્કા ખાઇ રહ્યા છીએ. પણ કોઇ જવાબ આપતુ નથી અને વધુ ફી માગી રહ્યા છીએ. એનએસયુઆઇ અગ્રણી વ્રજ પટેલે જણાવ્યું હતું કે, શાનેન સ્કૂલ દ્વારા સરકારે જાહેરાત કરી હતી કે, તે પ્રમાણે ૨૫ ટકા રાહત આપવામાં આવી નથી અને એલસી અને માર્કશિટ આપવામાં આવતા નથી. અમારી માગ છે કે, વિદ્યાર્થીઓને ૨૫ ટકા રાહતની ફી પરત કરવામાં અને એલસી-માર્કશિટ આપવામાં આવે.જયારે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વૈશાલીબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ફી માફી તેમને મળી નથી. તેવી વાલીની ફરિયાદ છે. વાલી તરફથી લેખિતમાં ફરિયાદ કરવામાં આવશે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.