આણંદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રાથમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી તા.૨૮ સપ્ટેમ્બરથી તા.૬ ઓક્ટોબર દરમિયાન એચએસસી (સામાન્ય પ્રવાહ)ની પૂરક પરીક્ષા શાળાઓમાં લેવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાય, વિદ્યાર્થીઓની સલામતી જળવાય, પરીક્ષાના મુક્ત, ન્યાયી અને સરળ સંચાલન માટે અને પરીક્ષામાં થતી ગેરરીતિઓ અટકાવવા તેમજ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કોરોના વાઇરસના સંક્મણને અટકાવવા માટે માસ્ક ફરજિયાત પહેરવા સૂચના આપવામાં આવી છે. આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી. સી. ઠાકોરે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ થી મળેલ સત્તાની રૂઇએ જિલ્લાનાં ડી.એન હાઇસ્કૂલ, સરદાર વલ્લભભાઈ પટેલ હાઇસ્કૂલ, શારદા હાઇસ્કૂલ, આણંદ હાઇસ્કૂલ, મહાત્માગાંધી હાઇસ્કૂલ, આરપીટીપી હાઇસ્કૂલ, ટી.વી. પટેલ હાઇસ્કૂલ, કસ્તુરબા કન્યા વિદ્યાલયના પરીક્ષા કેન્દ્રોની કંપાઉન્ડની દીવાલની ૨૦૦ મીટરમી ત્રિજ્યામાં પરીક્ષાર્થી ઉમેદવારો અને પરીક્ષાની કામગીરીમાં રોકાયેલાં અધિકૃત વ્યક્તિ સિવાય અન્ય કોઈપણ બિનઅધિકૃત વ્યક્તિ તથા સંબંધિત પરીક્ષા કેન્દ્ર જે શાળામાં આવેલ હોય તે શાળાનાં સંચાલક મંડળનાં સભ્યઓ કે હોદ્દેદારોને પરીક્ષા કેન્દ્રમાં કે કેન્દ્રની અંદર ૨૦૦ મીટરની ત્રિજયામાં પ્રવેશ માટે પ્રતિબંધ રહેશે. તેમજ પ્રવેશ પરીક્ષા કેન્દ્રોના કંપાઉન્ડની દીવાલની ૨૦૦ મીટરની ત્રિજયામાં આવેલ ઝેરોક્ષ મશીનો પરીક્ષાના દિવસો દરમિયાન સવારનાં ૯થી સાંજના ૭ કલાક દરમિયાન બંધ રાખવા, પરીક્ષાના કેન્દ્રોમાં મોબાઈલ ફોન કે ઈલેકટ્રોનિક માધ્યમથી સંદેશાવ્યવહાર કે રેકોર્ડિંગ થઈ શકે તેવા કોઈપણ પ્રકારના ઉપકરણો લઈ પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. વાલીઓના તેમજ લોકોના ટોળાઓ એકઠાં ન થાય તેમજ અનિચ્છનિય બનાવ તે માટે પરીક્ષા કેન્દ્રો પર તા.૨૮ સપ્ટેમ્બરથી તા.૬ ઓક્ટોબર સુધીના દિવસ દરમિયાન પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ શિક્ષાને પાત્ર થશે.