આણંદ : આણંદ નગરપાલિકાની મુદત પૂરી થઈ ગયાં પછી સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ચીફ ઓફિસરને વહીવટદાર બનાવીને સત્તા સોંપવામાં આવી છે. આ દરમિયાન આણંદ શહેરમાં ચીફ ઓફિસરે આજે એક નોટિસ જાહેર કરીને દબાણકારોને ચેતવ્યાં છે કે, સ્વયં દબાણો દૂર કરવામાં નહીં આવે તો ત્રણ દિવસ બાદ આણંદ નગરપાલિકા દબાણદારના ખર્ચે અને જાેખમે દબાણો દૂર કરશે. દૂધનગરી તરીકે વિખ્યાત આણંદ શહેરમાં દબાણોનો રાફડો ફાટ્યો છે. નગરપાલિકા દ્વારા વારંવાર શહેરમાં દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરવામાં આવતી રહી છે. જાેકે, દબાણો હટાવ્યાં બાદ એકાદ-બે દિવસમાં યથાવત પરિસ્થિતિ જાેવાં મળતી હોય છે. ત્રણ દિવસ બાદ નગરપાલિ કાના વહીવટદાર ચીફ ઓફિસર દ્વારા શહેરમાં દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. નગરપાલિકા તંત્ર દ્વારા જણાવાયું છે કે, આણંદ નગરપાલિકાની કોઇપણ મિલકત તેમજ ખુલ્લી જગ્યા ઉપર. જાહેર રસ્તા ઉપર હાથલારી, ગલ્લાંઓ અથવા અન્ય કોઇપણ રીતે બિનઅધિકૃત દબાણ કરવામાં આવ્યું હશે કે પછી ફૂટપાથ ઉપર પાથરણાં પાથરી અથવા અન્ય કોઇપણ રીતે દબાણ કરીને ધંધો-વેપાર-વ્યવસાય કરવાની આવી પ્રવૃત્તિ નગરપાલિકા અધિનિયમ-૧૮૫ મુજબ ગેરવાજબી તેમજ ગેરકાયદેસર છે. નગરપાલિકા વિસ્તારના જાહેર રસ્તા ઉપર લારી-ગલ્લાં, પાથરણાવાળા વગેરે દ્વારા કરવામાં આવેલાં આવા દબાણોના બિનઅધિ કૃત દબાણદારોને આણંદ નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસરે તાકીદ કરી છે કે, આવાં કરવામાં આવેલાં દબાણો દિન-૩(ત્રણ)માં ખસેડી લેવા કે દૂર કરી લેવાં.  

ખાલી કાગળ પર ઝૂંબેશ થશે કે કાયમી ઉકેલ આવશે ખરો?

આણંદમાં ગેરકાયદે દબાણોની સમસ્યા ભલભલાં માટે મુશ્કેલી રૂપ બની છે. રાહદારી અને વાહનચાલકોને પણ અવરજવર કરવામાં રોજેરોજ હાલાકીનો સામનો કરવો પડે છે. ઘણી વખત અકસ્માતો ફણ સર્જાય છે. બોલાચારી ફણ થવાના બનાવો અનેક વખત બન્યાં છે. ગેરકાયદે દબાણોના પગલે ટ્રાફિકજામ તો રોજની સમસ્યા બની ચૂક્યો છે. દર વખતે આવી ઝૂંબેશ હાથ ધરાઈ છે અને તેનાં ગણતરીના કલાકોમાં જૈસે થે સ્થિતિનું નિર્માણ થઈ જાય છે. હવે જાેવાનું એ રહે છે કે, વહીવટદાર ચીફ ઓફિસરની ઝૂંબેશ કેવી રંગ લાવે છે?