અરવલ્લી, તા.૧૨ 

દિલ્હીથી મુંબઈને જોડતા શામળાજી-ગોધરા રાજ્યધોરી માર્ગ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. જેનું હાલમાં સમારકામ ચાલતું હોય ઠેરઠેર આડેધડ ડાયર્વઝન આપ્યા છે. હાઈવે પર પડેલા ખાડાઓથી વારંવાર નાના મોટા અકસ્માતોની ઘટનાઓ બની રહી છે. હાઈવેનો ખાનગી કોન્ટ્રાકટ ધરાવતી કંપની અને જવાબદાર તંત્રના પાપે છેલ્લા કેટલાય દિવસથી રોડ ઉપર પડેલા ખાડાને લઇને વાહનચાલકો થાપ ખાઈ જતાં સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા અકસ્માતોમાં વધારો થયો છે.કેટલાય લોકોના હાથ પગ ભાગવાનો વારો આવ્યો છે. શનિવારે રાત્રે જીવણપુર ગામ નજીક રોડ પર પડેલા ખાડાઓના લીધે કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર હવામાં ફંગોળાઈ ડિવાઈડર કુદી હોટલ આગળ ખાબકતાં ભારે અફડાતફડી મચી ગઇ હતી. હાઈવે પર વારંવાર થતા અકસ્માતના પગલે લોકોમાં માર્ગ અને મકાન વિભાગ સામે ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો. લોકોએ હાઈવે પર ચક્કાજામ કરતાં વાહનોની લાંબી કતારો જામી ગઇ હતી. પોલીસતંત્ર તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી લોકોને સમજાવી હાઈવે પરનો વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો. અકસ્માતમાં સદનસીબે કારચાલકનો આબાદ બચાવ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. શામળાજીથી મોડાસા સુધીના રોડ પર પડેલા ખાડાઓ પુરવામાં ન આવતા વાહનચાલકો ડિસ્કો રોડથી તોબા પોકારી ઉઠ્‌યા છે. પ્રથમ વરસાદમાં જ શામળાજીથી મોડાસા સુધીનો હાઇવે અનેક જગ્યાએ ધોવાઇ ગયો છે. જેને લઇ વારંવાર અકસ્માત સર્જાઇ રહ્યા છે. આ સાથે વાહનો પણ ખરાબ થતાં હોઇ ચાલકોને મુસાફરી દરમ્યાન સંઘર્ષ કરવો પડે છે.વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ટોલટેક્સ ખંખેરતી ખાનગી કંપની સામે લોકોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે. મોડાસા-શામળાજી હાઈવે રોડ ઉપર મોટા વાહનો બેફામ રીતે હંકારતા નિર્દોષ લોકોને અસ્કમાતમાં જીવ ગુમાવવો પડે છે.રોડ પર પડેલા ખાડાઓ અને ખાડાઓનું સમારકામ કરવા અપાયેલ ડાયર્વઝન લઈ અસ્કમાતનું પ્રમાણ વધી ગયું છે. થોડા દિવસ પહેલા પણ ગાજણ કંપા નજીક લોકોએ હાઈવે પર ચક્કાજામ કરી તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો. રાત્રે હાઈવે પર પડેલા ખાડાઓના પગલે શનિવારે કાર પલ્ટી જતા લોકોએ જીવણપૂર ગામ નજીક સમારકામ ઝડપથી પૂર્ણ કરાય તેવી માંગ સાથે ચક્કાજામ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિકને હળવો કર્યો હતો. જીવણપુર પાસે હાઈવે ચક્કાજામ કરાતાં મોટીસંખ્યામાં ગ્રામજનો હાઈવે ઉપર ઉમટી પડયા હતા.