મેલબર્નઃ 

ભારતની અંકિતા રૈનાને ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં મહિલાઓની ડબલ્સના વર્ગમાં રમવાનો મોકો મળ્યો છે. કોઈ ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટના મેઈન ડ્રોમાં સ્થાન મેળવનાર અંકિતા ભારતની માત્ર ત્રીજી મહિલા બની છે. 28-વર્ષીય અંકિતા મહિલાઓની સિંગલ્સ વર્ગના મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવી શકી નહોતી. પરંતુ, રોમેનિયાની મિહેલા બુઝારેન્કુ સાથે જોડી બનાવીને તેણે મહિલાઓની ડબલ્સના વર્ગમાં મેન ડ્રોમાં સ્થાન મેળવ્યું છે. આ સિદ્ધિ આ પહેલાં સાનિયા મિર્ઝા અને નિરુપમા વૈદ્યનાથન જ મેળવી શક્યાં હતાં. સાનિયા તો છ વખત ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન બની છે. નિરુપમાએ 1998માં ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેઈન ડ્રો મારફત રમવાનો મોકો મેળવ્યો હતો. મહિલા ડબલ્સ માટે કોઈક પાર્ટનર શોધી રહી હતી એની જ્યારે અંકિતાને ખબર પડી ત્યારે એણે તેની સાથે વાત કરી હતી અને મિહેલા તેની સાથે જોડી બનાવવા તૈયાર થઈ હતી. મિહેલા લેફ્ટી છે અને અંકિતા જમણા હાથે રમે છે.

આ વખતની ઓસ્ટ્રેલિયન ઓપન જે મોસમની પહેલી ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ છે, તેમાં ભારતના કુલ ચાર ખેલાડીઓ રમશે. સુમિત નાગલ પુરુષોના સિંગલ્સ વર્ગમાં જ્યારે રોહન બોપન્ના અને દિવીજ શરન પુરુષોના ડબલ્સ વર્ગમાં રમશે. નાગલ તેની પહેલી મેચ લીથુઆનિયાના રિકાર્ડસ બેરન્કીસ સામે રમવાનો છે. બોપન્ના અને તેનો જાપાનીઝ પાર્ટનર કોરિયન જોડી સામે રમશે જ્યારે શરન અને એનો સ્લોવેકિયન જોડીદાર જર્મનીના ખેલાડીઓ સામે રમશે.