વડોદરા, તા.૨૭

 હિન્દુ ધર્મની લાગણી દુભાવનાર કોમેડિયન મુનાવરના કાર્યક્રમને લઈને હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરીને કાર્યક્રમ માટે પરવાનગી નહીં આપવાની માગ કરાઈ હતી. કાર્યક્રમના આયોજક ટીસીએફ એન્ટરપ્રાઈઝ પ્રા.લિ. દ્વારા પાલિકાને પત્ર લખીને હિન્દુ ધર્મની લાગણી ન દુભાય એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે આ શો રદ કરીએ છીએ તેમ જણાવી ટાઉન હોલના ભાડા પેટે ચૂકવેલ રિફંડ આપવા પત્રમાં જણાવ્યું છે.હિન્દુ ધર્મની લાગણી દુભાવનાર સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનાવર ફારૂકીના વડોદરામાં યોજાનાર કાર્યક્રમને પરવાનગી નહીં આપવા વડોદરા વિશ્વ હિન્દુ પરિષદ અને શિવસેના દ્વારા મ્યુનિસિપલ કમિશનર આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી તેમજ ભવિષ્યમાં પણ આવા પ્રકારના કાર્યક્રમોને પાલિકાના કોઈપણ નગરગૃહમાં પરવાનગી નહીં આપવા માગણી કરવામાં આવી હતી.

વિશ્વ હિન્દુ પરિષદ મહાનગર અને શિવસેનાના આગેવાનોએ આજે અલગ-અલગ રીતે પાલિકાની કચેરીએ આવી ભારે સૂત્રોચ્ચાર સાથે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી કે, કોમેડિયન મુનાવર ફારૂકીનો કાર્યક્રમ વડોદરા પાલિકાના પંડિત દીનદયાલ ઓડિટોરિયમ ખાતે તા.૩ના રોજ આયોજન કરાયું છે, તેને પરવાનગી નહીં આપવા માંગ કરી છે. રજૂઆત કરતા અગ્રણીઓએ જણાવ્યું હતું કે, મુનાવર ફારૂકીએ ભૂતકાળમાં હિન્દુ ધર્મ અને હિન્દુઓના આરાધ્ય એવા દેવી-દેવતાઓ વિશે હિન્દુઓની લાગણી દુભાય તેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. વડોદરા એ સંસ્કારીનગરી અને કલાનગરી છે, જે લોકો હિન્દુ ધર્મનું અપમાન કરતા હોય તેવા કોઈપણ કલાકારને કાર્યક્રમ કરવાની પરવાનગી આપવામાં ન આવે તેવી વડોદરાવાસીઓની લાગણી અને માગણી છે.