વડોદરા : કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય અને શહેર-જિલ્લામાં મ્યુકોરમાઈકોસિસના કેસો સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આ રોગને મહામારી તરીકે જાહેર કરી છે. ત્યારે કોરોનાથી સાજા થયેલા લોકોમાં બ્લેક ફંગસ, વ્હાઈટ ફંગસ તથા યલો ફંગસ સાથે ત્રાટકતાં મ્યુકોરમાઈકોસિસનો રોગ શરીરના અલગ અલગ અવયવોને પ્રભાવિત કરે છે. જાે આ રોગની ત્વરિત સારવાર કરવામાં ન આવે તો તે દર્દીને જીવવું જાેખમ પણ વધી જાય છે. કોરોના બાદ દેશમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે વડોદરા શહેરની સરકારી સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં વિતેલા છેલ્લા ર૪ કલાક દરમિયાન ક્રમશઃ સયાજી હોસ્પિટલમાં નવા ૧૪ દર્દીઓ અને ગોત્રી હોસ્પિટલમાં નવા ૮ દર્દીઓ મળી કુલ ૧૮ નવા દર્દીઓ દાખલ થયા હતા. અ સાથે બંને હોસ્પિટલોમાં કુલ ૨૮૦ દર્દીઓ દાખલ થયેલા હોવાનું જાણવા મળ્યું છે. દાખલ દર્દીઓ પૈકી આજે દિવસ દરમિયાન સયાજી હોસ્પિટલમાં ર૩ જેટલા દર્દીઓના મેજર અને માઈનોર ઓપરેશન કરવામાં આવ્યાં હતાં, જ્યારે ગોત્રી હોસ્પિટલમાં ૧૪ દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યાં હતાં. આજે બંને હોસ્પિટલના ૨૪ દર્દીઓના બાયોપ્સી સેમ્પલો ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા હતા. આજે એક દર્દીનું મોત નીપજ્યું હતું, જ્યારે ગોત્રી હોસ્પિટલમાંથી ૪ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા.

હાલ મ્યુકોરમાઈકોસિસની સારવાર માટે દાખલ થઈ રહેલા દર્દીઓમાં બ્લેક ફંગસની સાથે વ્હાઈટ ફંગસ ધરાવતા દર્દીઓ પણ જાેવા મળી રહ્યા છે. હાલ સયાજી હોસ્પિટલમાં ત્રણ દર્દીઓમાં વ્હાઈટ ફંગસની અસર ધરાવતા હોવાનું નિદાન આવ્યું હતું. અલબત્ત, કોરોના બાદ મ્યુકોરમાઈકોસિસ મહારોગ વધુ ને વધુ શહેર-જિલ્લામાં વકરી રહ્યો હોય શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં સંખ્યાબંધ દર્દીઓ સારવાર માટે દાખલ થઈ રહ્યા છે. આજે સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં દિવસ દરમિયાન નવા કુલ ૧૮ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા.

સયાજી હોસ્પિટલમાં પણ મ્યુકોરમાઈકોસિસના ઈન્જેકશનનો જથ્થો બે દિવસથી પૂરો થઈ ગયો

વડોદરા. સમગ્ર રાજ્ય સહિત શહેરોમાં મ્યુકોરમાઈકોસિસની સારવારમાં ઉપયોગમાં લેવાતા એમ્ફોટોરેસિરીન ઈન્જેકશનોની અછતને કારણે મોટાભાગના દર્દીઓ સયાજી હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે જેના પરિણામે સયાજી હોસ્પિટલમાં પણ સરકાર તરફથી ઈન્જેકશનોનો પૂરતો જથ્થો સપ્લાય કરવામાં ન આવતાં બે દિવસથી સયાજી હોસ્પિટલમાં પણ ઈન્જેકશનનો જથ્થો પૂરો થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

મ્યુકોરમાઈકોસિસના બ્લેક-વ્હાઈટ અને યલો ફંગસની અસરો

વડોદરા. મ્યુકોરમાઈકોસિસના મહારોગના બ્લેક-વ્હાઈટ અને યલો ફંગસના લક્ષણો જેવા કે બ્લેક ફંગસમાં આંખો, ફેફસાં, જડબાં અને મગજને ઘાતક અસર કરે છે. વ્હાઈ ફંગસમાં મગજ, હૃદય, લોહી, હાડકાં અને શરીરના અન્ય ભાગોને અસર કરે છે. જ્યારે યલો ફ્ંગસમાં ભૂખ ઓછી લાગવી, અશક્તિ, વજન ઓછું થવું, આંખોમાં ઓછું દેખાવવું જેવા લક્ષણો છે.