વડોદરા : શહેરના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે સાવચેતીભર્યા પગલાં લેવાઈ રહ્યાં છે, તેમ છતાં કોરોના વાઈરસ હવે આઉટ ઓફ કંટ્રોલ નજરે પડી રહ્યો છે. દિનપ્રતિદિન કેસોની સંખ્યામાં ખૂબ ઝડપભેર વધારો થઈ રહ્યો છે. જેના પરિણામે આજે નવા વધુ ૧૨૪ કોરોના પોઝિટિવ કેસો નોંધાતાં દર્દીઓની સંખ્યા ૧૧,૦૦૦ નજીક એટલે કે ૧૦,૯૪૦ પર પહોંચી છે. જ્યારે દર્દીઓના મૃત્યુઆંકમાં જાેવા મળી રહ્યો છે. ડેથ ઓડિટ કમિટીએ આજે પણ વધુ બે દર્દીઓના કોરોનામાં મોત થયાનું જાહેર કરતાં કોરોનાનો સત્તાવાર મૃત્યુઆંક ૧૮૩ થયો છે. જ્યારે આજે બિનસત્તાવાર ૧૮ દર્દીઓના મોત નીપજ્યાં હોવાનું જાણવા મળેલ છે. આજે મોતને ભેટેલા દર્દીઓ શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા હતા. 

આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આજ દિવસ દરમિયાન શહેરના માંજલપુર, દંતેશ્વર, સમા, વારસિયા રોડ, અટલાદરા, તરસાલી, કારેલીબાગ, મકરપુરા, વડસર, અકોટા, ઓ.પી.રોડ, સુભાનપુરા, ગોત્રી, ન્યુ વીઆઈપી રોડ, છાણી સહિત ૨૧ વિસ્તારો અને જિલ્લાના ડભાસા, ડભોઈ, વાઘોડિયા, કોયલી, શિનોર, રણોલી, કરોડિયા, જરોદ, ઊંડેરા, પાદરા, શેરખી, કરજણ, સાવલી અને પોર વગેરે ગામોમાંથી પણ શંકાસ્પદ કોરોનાના લક્ષણો ધરાવતા ૪૪૨૧ સેમ્પલો લેવામાં આવ્યા હતા જેમાં ૪૨૯૭ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા, જ્યારે ૧૨૪ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા. હાલ શહેરની હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા ૧૫૫૨ દર્દીઓમાં ૧૨૭૨ દર્દીઓની હાલત સુધારા પર અને ૭૧ દર્દીઓ વેન્ટિલેટર પર હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું છે. તો બીજી તરફ સારવાર દરમિયાન સાજા થયેલા ૧૧૧ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેમાં ૩૩ દર્દીઓ સરકારી, ૩૩ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાંથી અને ૪૫ દર્દીઓને હોમ આઈસોલેશનમાંથી મુકત કરવામાં આવ્યા હતા. આજે નવા આવેલા ૧૨૪ કોરોના પોઝિટિવ કેસોમાં શહેરના ચાર ઝોન અને વડોદરા ગ્રામ્યમાં સૌથી વધારે ૪૧ કેસો ગ્રામ્યમાંથી, ૨૬ દક્ષિણ ઝોનમાંથી, ૨૪ પશ્ચિમ ઝોનમાંથી, ૧૭, પૂર્વ ઝોનમાંથી અને ૧૬ ઉત્તર ઝોનમાંથી પોઝિટિવ કેસો નોંધાયા હતા.