પણજી-

ગોવા મેડિકલ કોલેજ હોસ્પિટલ (જીએમસીએચ)માં વધુ ૧૫ દર્દીઓના મોતની પુષ્ટિ થઈ છે. ગોવા સરકારે બોમ્બે હાઈકોર્ટની બેન્ચને આ જાણકારી આપી છે. ઓક્સિજનની સપ્લાઈ અટકી જવાને કારણે ગોવા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં વિતેલા ત્રણ દિવસમાં મરનારા લોકોની કુલ સંખ્યા ૬૨એ પહોંચી ગઈ છે. મંગળવારે ૨૬, બુધવારે ૨૧ અને ગુરુવારે ૧૫ લોકોના મોત થયા છે.

ગોવામાં ઓક્સિજનની અછતના મામલે તપાસ માટે એક નિષ્ણાંતોની સમિતિ બનાવવામાં આવી છે. આઈઆઈટી ગોવાના ડાયરેક્ટર ડો. બીકે મિશ્રાની અધ્યક્ષતાવાળી સમિતિને જીએમસીમાં ઓક્સિજન માટે પ્રશાસનની પ્રક્રિયાની તપાસ કરવા અને તેમાં સુધારો કરવા માટે ભલામણ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. બોમ્બે હોઈકોર્ટ જાહેર હિતની અરજીની સુનાવણી કરી રહી હતી જેમાં રાજ્ય સરકાર પર કોવિડ સંકટનો સામનો કરવા માટે યોગ્ય વ્યવસ્થા ન કરવાનો આરોપ લાગ્યો છે. ખાસ કરીને ગોવા મેડિકલ કોલેજમાં, જ્યાં વિતેલા ત્રણ દિવસમાં ડઝનો કરાતં વધારે કોવિડ દર્દીના મોત થયા છે. કોર્ટે કહ્યું કે, કેન્દ્ર સરકાર સુનિશ્ચિત કરે કે ગોવાને ઓક્સિજનનો નક્કી જથ્થો ઝડપથી મળી જાય. રાજ્યમાં હાલમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.