દિલ્હી-

કોરોનાની બીજી લહેર ની સાથે, ત્રીજી લહેર ની પણ ફાટી નીકળવાની સંભાવના વચ્ચે, રાજ્યોમાં રસીકરણની ધીમી ગતિએ, કેન્દ્ર સરકારની ચિંતા વધારી દીધી છે. કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને, વારંવાર રસીકરણની ગતિ ઝડપી બનાવવા જણાવ્યુ છે. જેથી બીજી લહેર સાથે યોગ્ય કાર્યવાહી થઈ શકે.

આ અંગે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન દ્વારા, બુધવારે આઠ રાજ્યો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક બોલાવવામાં આવી છે. આ રાજ્યોમાં જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને તેલંગાણા શામેલ છે. આ રાજ્યોમાં રસીકરણની ગતિ અત્યંત ધીમી છે. આ સાથે રસીનો બગાડ પણ વધી રહ્યો છે. રસીકરણ એ કોરોનાથી બચવા માટેનો એકમાત્ર રસ્તો છે, તેથી દેશમાં રસીકરણ કાર્યક્રમ બમણી ગતિએ દોડાવવાનો રહેશે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી માત્ર 17 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. જેમાં 4 કરોડ જેટલા લોકોને બંને ડોઝ મળી ચૂક્યા છે. કેન્દ્ર સરકારે રાજ્યોને 18 કરોડથી વધુ ડોઝ આપ્યા છે. આ સાથે, રાજ્યોને પણ આ રસી ખરીદવાની છૂટ આપવામાં આવી છે. જેથી તેઓ પોતાની રીતે તે ઝડપી કરી શકે.