વડોદરા : વેમાલી ખાતેની જમીન પર વોચમેનને દમદાટી આપી કાઢી મૂકયા બાદ જમીન પર કબજાે જમાવવા માટે બોર્ડ મારી દેનાર ભૂમાફિયા લક્ષ્મણ ભરવાડનું વધુ એક ભોપાળું બહાર આવ્યું છે. જેમાં વેમાલી બ્લોક નં.૧૧૭ની જમીનમાં બોગસ વીલ લક્ષ્મણ ભરવાડ આણિમંડળીએ બનાવ્યું હોવા અંગેનું સોગંદનામું કોર્ટમાં રજૂ થયેલ છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગોત્રી સોનલપાર્કમાં રહેતા બિલ્ડર ગિરીશભાઈ ભીખાભાઈ પટેલે વેમાલીમાં આવેલી જમીનનો કબજાે ભોગવટો છે. આ જમીનનું વીલ તેઓને વર્ષ ૨૦૦૪માં નાનાભાઈ શિવાભાઈ પરમારે કરી આપ્યું હતું. ૨૦૦૫માં નાનાભાઈ પરમારનું અવસાન થતાં તેમના વારસદારો સાથે સમજૂતીકરાર થયા બાદ દસ્તાવેજ પણ કરી આપ્યો હતો. આ જમીનનું સાંગમા ગામના કલ્પેશ સોલંકીએ બોગસ વીલ બનાવી કોર્ટમાંથી પ્રોબેટ સર્ટિ મેળવી લક્ષ્મણ ભરવાડ અને સંદીપસિંહને જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો. જે અંગેની જાણ બાદ બિલ્ડર ગિરીશભાઈએ દસ્તાવેજ રદ કરવા સિવિલ કોર્ટમાં દાવો કરતાં કોર્ટે મનાઈહુકમ આપ્યો છે. તેમ છતાં પણ લક્ષ્મણ ભરવાડ આણિમંડળીએ વેમાલી ખાતેની જમીન પર વોચમેનને દમદાટી આપી તેને કાઢી મૂકયા બાદ જમીન પર કબજાે જમાવવા માટે બોર્ડ મારી દીધું હોવા અંગેનો ગુનો તાલુકા પોલીસ મથકે નોંધાયો છે. જાે કે, આ અગાઉ પણ ભૂમાફિયા લક્ષ્મણ ભરવાડ આણિમંડળીએ વેમાલી બ્લોક નં. ૧૧૭ની જમીનમાં બોગસ વીલ બનાવ્યું હોવાની કરતૂત બહાર આવી છે તેમજ તાલુકા પોલીસ મથકે ૨૦૨૧માં આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ તથા ૧૨૦બી મુજબની ફરિયાદ પણ નોંધાયેલી છે. આ ઉપરાંત કલ્પેશભાઈ સોલંકીએ ગત ફેબ્રુઆરી મહિનામાં નામદાર કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું જેમાં તેમની સામે તાલુકા પોલીસ મથકે ૨૦૨૧માં ગુનો નોંધાયો હતો જે ગુનો તેમને કરેલ નથી પરંતુ આ ગુનો મંગલસિંગ, લક્ષ્મણ નાથાભાઈ ભરવાડ, સંદીપસિંહ ઉદેસિંહ પરમાર સહિતના શખ્સોની સાંઠગાંઠથી આચરવામાં આવ્યો હોવાનું સોગંદનામામાં ઉલ્લેખ કર્યો છે. આ લક્ષ્મણ ભરવાડ આણિમંડળીએ કલ્પેશ સોલંકીના સગાસંબંધીઓને ભોળવીને હાથો બનાવી ફસાવવા માટે બોગસ વીલ બનાવ્યું હતું તેવો ઉલ્લેખ સોગંદનામામાં કર્યો છે. આમ ભૂમાફિયા લક્ષ્મણ ભરવાડ આણિમંડળીના એક પછી એક કારસ્તાન બહાર આવી રહ્યા છે. તો શું આ મંડળી સામે યોગ્ય પગલાં લેવાશે કે પછી જૈસે થે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

ભૂમાફિયા સાથે ભાજપા અગ્રણી સામેલ છે કે કેમ? તપાસ જરૂરી

વડોદરા. વેમાલી ખાતેની જમીન પર કબજાે જમાવવા માટે વોચમેનને દમદાટી આપીને કાઢી મૂકનાર લક્ષ્મણ ભરવાડ ભાજપા અગ્રણી દલસુખ પ્રજાપતિનો ખાસ માણસ હોવાનું મનાય છે. તો શું જમીનના ખરાખોટા ધંધામાં લક્ષ્મણ સાથે દલસુખ પ્રજાપતિ સામેલ છે કે કેમ? જે અંગેની પોલીસ તપાસ કરશે કે કેમ? જેવા સવાલો ઊઠવા પામ્યા છે.