વડોદરા : શહેરમા ચોમાસાની ઋતુએ જમાવટ કરી છે.આજે બીજા દિવસે પણ વરસાદે ધીમી ગતિએ સમગ્ર દિવસ દરમ્યાન મહેર કરી છે. સાથો સાથ ઝાડ પડવાનો સિલસિલો પણ યથાવત રહ્યો છે.આજે દિવસ દરમ્યના વિવિધ વિસ્તારમાં ૩૬ થી વધુ ઝાડ પડવાના બનાવ નોંધાયા છે.

શહેરમાં વર્ષા રાણીએ પાપાપગલી ભરી છે.ગુરુવારે વાવાઝોડા સાથે વર્ષા રાણીએ સત્તાવાર આગમનના એંધાણ આપ્યા હતા.આ વાવાઝાડાને કારણે ઝાડ પડવાની ઘટના બની હતી.આજે પણ દિવસ દરમ્યાન વરસાદ ચાલુ રહેતા ઝાડ પડવાના કોલ ફાયર બ્રિગેડને મળતા ફાયર ફાયટરો દ્વારા ઝાડ કાપીને રોડ ખુલ્લો કરવાની કામગીરી કરી હતી.ફાયર બ્રિગેડને ચોપડે અત્યાર સુધી ૩૬ થી વધુ ઝાડ પડવાના કોલ નોંધાયા છે.જેમાં,કેટલાક વિસ્તારમાં ઝાડ પડવાથી વાહનો પણ ચગદાઇ જતા વાહનોને નુકસાન થયું હતું. જયારે પ્રતાપનગર અપ્સરા એપાર્ટમેન્ટ પાસે તેમજ હાથીખાના રોશન નગરમાં મન્સુરી કબ્રસ્તાન પાસે મકાન પર ઝાડ પડવાથી મકાનને નુકસાન થયું હતું. દાંડીયા બજાર નિલકંઠેશ્વર મહાદેવ પાસે વર્ષો જૂનુ ઝાડ પડી જતા વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો.ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઝાડ કાપીને રોડ ખુલ્લો કર્યો હતો.શહેરમાં ઝાડ પડવાની ઘટનામાં કોઇ જાનહાનીના અહેવાલ નથી.

જિલ્લામાં વરસાદ ઃ કરજણમાં સૌથી વધુ વરસાદ નોંધાયો

એક તરફ ભારે વરસાદની આગાહી છે અને તંત્રને સાબદું રહેવા સૂચના આપવામાં આવી છે. ત્યારે પૂર નિયંત્રણકક્ષના અહેવાલ પ્રમાણે સવારે ૬ થી સાંજના ૬ સુધી જિલ્લાના આઠ તાલુકાઓ પૈકી ડેસર સિવાય દરેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કરજણ તાલુકામાં ૬ર એમ.એમ., પાદરા તાલુકામાં ૧૩ એમ.એમ., વડોદરા તાલુકામાં ૧ર એમ.એમ., ડભોઈ તાલુકામાં ૯ એમ.એમ., શિનોર તાલુકામાં ૯ એમ.એમ., સાવલી તાલુકામાં પ એમ.એમ. અને વાઘોડિયા તાલુકામાં ર એમ.એમ. વરસાદ નોંધાયો હતો.