મુંબઇ-

મહારાષ્ટ્રમાં બોમ્બે હાઈ કોર્ટની નાગપુર બેંચે ચુકાદો આપ્યો છે કે પત્ની પાસેથી પૈસા માંગવાને સતામણીની શ્રેણીમાં ન મૂકવામાં આવે. આ ર્નિણય સાથે કોર્ટે પત્નીને 9 વર્ષના લગ્ન બાદ આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનાં આરોપી વ્યક્તિને મુક્ત કરવાનો ર્નિણય કર્યો હતો. સામાન્ય રીતે મહિલાઓ વિરુદ્ધના અત્યાચારના કિસ્સામાં દહેજની માગણી કરવી, માનસિક ત્રાસ આપવો, મ્હેંણા ટોંણા મારવા અને તેના કારણે મહિલા આત્મહત્યા કરે તો તેના માટેની પેરણા આપવાનો ગુનો નોંધવામાં આવતો હોય છે.

જસ્ટિસ પુષ્પા ગનેડીવાલાએ અરજદાર પ્રશાંત જારેની મુક્ત કરવાની અપીલને મંજૂરી આપતા કહ્યું હતું કે, "આ મામલો પતિ-પત્ની વચ્ચેના ઝઘડા સાથે સંબંધિત છે. જ્યાં પતિએ પૈસા માટે પત્ની પર હુમલો કર્યો હતો. પત્ની પાસેથી પૈસાની માંગને કલમ ૪૯૮એ હેઠળ સતામણીની શ્રેણીમાં ન મૂકવામાં આવી શકે. '

જજે કહ્યું કે, "આરોપી પોતાની પત્નીને જવા દેવાને બદલે તેની સાથે રહેવા માંગતો હતો. ઝઘડો થયા પછી તે ઘણીવાર તેને પિતાના ઘરેથી લઈ આવ્યો હતો. તે તેને હોસ્પિટલમાં પણ લઈ ગયો હતો અને અંતિમ સંસ્કાર માટે પિતાને મૃતદેહ આપવાની ના પાડી દીધી હતી. જસ્ટિસ પુષ્પા ગનેડીવાલાએ જ તાજેતરમાં ત્વચાથી ત્વચાના સંપર્ક વિના સગીર છોકરીના સ્તનને સ્પર્શ કરવાની ઘટનાને જાતીય ગુનાઓની શ્રેણીમાં ન ગણવાનો ર્નિણય લીધો હતો. અવયસ્ક છોકરીના વક્ષસ્થળને સ્કિન ટુ સ્કિન ટચ વિના સ્પર્શ કરવાને પોક્સો હેઠળ ગુનો ના કહી શકાય તેવા બોમ્બે હાઈકોર્ટના ર્નિણ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. યુથ બાર એસોસિયએશન દ્વારા બોમ્બે હાઈકોર્ટના આ ફેસલા વિરુદ્ધ સુપ્રીમમાં પિટિશન કરવામાં આવી હતી. નાગરિક સંગઠનો ઉપરાંત, અનેક જાણીતા લોકોએ પણ આ ફેસલાને હાસ્યાસ્પદ ગણાવી તેની આલોચના કરી હતી.

આ દંપતીના લગ્ન ૧૯૯૫ માં થયા હતા. ૧૨ નવેમ્બર, ૨૦૦૪ના રોજ પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી. મૃતકનાં પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે દહેજની લાલચે પતિ દ્વારા ત્રાસ આપવામાં આવ્યો હતો. યવતમાલ સેશન્સ કોર્ટે આત્મહત્યા માટે ઉકસાવવા અને સતામણી કરવા હેઠળ ૨૦૦૮માં કુલ ચાર વર્ષની જેલની સજા ફટકારી હતી. આરોપીએ આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.