ઢાકા-

બાંગ્લાદેશના ખુલના જિલ્લામાં કટ્ટરપંથીઓની ભીડે ૫૦થી વધુ હિન્દુઓના ઘરોને નિશાન બનાવી લૂંટફાટ કરી. આ દરમ્યાન ભીડે ઓછામાં ઓછા ચાર મંદિરોને પણ પોતાની ઝપટમાં લઇ તોડફોડ કરી. બાંગ્લાદેશમાં લઘુમતીઓની વિરૂદ્ધ હુમલો તાજેતરના વર્ષોમાં વધ્યો છે. તેનું એક કારણ હિફાઝત-એ-ઇસ્લામ જેવા સંગઠનોનું બાંગ્લાદેશમાં ઝડપથી લોકપ્રિય થવાનું છે. માર્ચમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ પોતાની ઢાકા યાત્રા દરમ્યાન વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

બંગાળી ભાષાના અખબાર સમકલના મતે શુક્રવાર સાંજે જિલ્લાના સિયાલી ગામમાં સ્થાનિક મસ્જિદના એક મૌલવીએ એક હિન્દુ ધાર્મિક જુલુસનો વિરોધ કર્યો. ત્યારબાદ કટ્ટરપંથીઓની એક ભીડ આક્રોશિત થઇ અને શનિવાર સાંજે ગામના હિન્દુ ઘરો પર હુમલો કરી દીધો. સ્થાળ પર હાજર લોકોના હવાલે મીડિયા રિપોર્ટમાં કહ્યું છે કે ભડકેલી ભીડમાં કથિત રીતે આસપાસના ગામના મુસલમાનો સામેલ હતા. હુમલાખોરોએ કુહાડી અને બીજા હથિયારોનો ઉપયોગ હુમલા દરમ્યાન કર્યો હતો. આ દરમ્યાન વિરોધ કરનાર કેટલાંય હિન્દુ ઘાયલ થયા. હાલ સ્થિતિ તણાવપૂર્ણ બની છે અને કાયદો પ્રવર્તન કેસની તપાસ કરી રહ્યું છે. પોલીસે કેટલાંય હિન્દુ મંદિરો, ઘરો અને દુકાનોમાં તોડફોડના સંબંધમાં નોંધાયેલ મામલામાં અત્યાર સુધીમાં ૧૦ લોકોની ધરપકડ કરી છે. સ્થાનિક સમુદાયના નેતાઓનું કહેવું છે કે વિસ્તારમાં પહેલી વખત કોઇ સાંપ્રદાયિક હિંસાના સમાચાર મળ્યા છે. પોલીસના મતે ગામના હિન્દુ સમુદાયની ૬ દુકાનો અને મકાનમાં પણ તોડફોડ કરી છે. ૨૦૧૧ની સંઘીય વસતીગણતરી પ્રમાણે બાંગ્લાદેશની ૧૪૯ મિલિયન વસતીમાં અંદાજે ૮.૫ ટકા લોકો હિન્દુ ધર્મનું પાલન કરે છે. ખુલના જિલ્લામાં મોટી સંખ્યામાં હિન્દુ સમુદાયના લોકો રહે છે. અહીં ૧૬ ટકા લોકો હિન્દુ ધર્મનું પાલન કરે છે જે રાષ્ટ્રીય સરેરાશથી વધુ છે. આ ઘટનાએ ભારતમાં પણ આક્રોશને વધારી દીધો છે. વિશ્વ હિન્દુ પરિષદે હુમલાને અંજામ આપનાર લોકોની વિરૂદ્ધ તપાસની માંગણી કરી છે.