દાહોદ, દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચુંટણીના મતદાન બૂથ કેપ્ચરિંગની એક ઘટનાને તથા એજન્ટને માર માર્યાની ઘટનાને બાદ કરતા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. ઝાલોદ તાલુકાના ઘોડિયા ગામની પ્રાથમિક શાળામાં મતદાન કેન્દ્રમાં સવારે સાત વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું હતું અને બપોરના બે વાગ્યા સુધી શાંતિથી મતદાન થતું રહ્યું હતું. ત્યારબાદ ત્રણ જેટલા વ્યક્તિઓ મતદાન કેન્દ્રમાં મતદાન કરવાના બહાને આવ્યા હતા અને આવતાની સાથે જ મત કેન્દ્રમાં ફરજ પરના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપર ઓચિંતો હુમલો કરી મતદાન કેન્દ્રમાં મુકેલ ટેબલ ખુરશી મત કુટીર તેમજ મત કુટીરમાં મુકેલ જિલ્લા તથા તાલુકા પંચાયત માટેના (૨) બે ઇ.વી.એમ મશીનની તોડફોડ કરી બૂથ કેપ્ચરિંગનો પ્રયાસ કરી નાસી ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસ વડા પોલીસ અધિકારીઓ તથા પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની તપાસ હાથ ધરી ગણતરીના કલાકમાં જ ત્રણ પૈકી એક વ્યક્તિની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. અમારા પ્રતિનિધિએ સદર ઘટના અંગે ઝાલોદ પ્રાંત અધિકારી સાથે ટેલીફોનીક સંપર્ક કરતા પ્રાંત અધિકારીએ ઉપરોક્ત હકીકત જણાવી હતી અને સાથે સાથે તે બુથનું મતદાન તે સમયથી જ અટકાવી દેવામાં આવ્યું હતું. જે સાંજે સમય પૂરો થયો ત્યાં સુધી બંધ રહ્યું હતું. જ્યારે ઝાલોદ તાલુકાના બલેડીયા ગામે એજન્ટને માર માર્યાની ઘટના પણ પ્રકાશમાં આવી છે.આવતી કાલે પુનઃ મતદાન થશે.